![]()
આવતી કાલે તા.૧૫ ફેબ્રુઆરીએ યોજાનારી બીસીએની ચૂંટણીને લઈને રોયલ સત્યમેવ જયતે અને રિવાઇવલ જૂથ વચ્ચે ટક્કર છે. બંને જૂથો એકબીજા સામે આક્ષેપ-પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે. ચૂંટણી પૂર્વે કાયદાકીય દાવપેચ, રજૂઆતો અને ન્યાયાલયની પ્રક્રિયાઓને કારણે માહોલ વધુ ગરમાયો છે. સંસ્થાની અંદરની રાજકીય ગરમાગરમી વચ્ચે હવે સભ્યો અને ક્રિકેટપ્રેમીઓની નજર ચૂંટણી પરિણામો પર ટકેલી છે.
બી.સી.એ. દ્વારા વર્ષ ૨૦૨૬-૨૦૨૯ના કાર્યકાળ માટે યોજાનારી ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી અને અન્ય કમિટી માટેના ૩૧ પદો માટે કુલ ૬૨ ઉમેદવારો મેદાનમાં છે અને ૨૦૯૮ મતદારો ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. મતદાન શાસ્ત્રી બ્રિજ નજીક નાનુભાઈ અમીન માર્ગ પર રામબાગ ખાતે સવારે ૯ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી યોજાશે.
બોગસ મતદાન રોકવા મતદારનો ફોટો આઈડી પ્રુફ બહાર ડિસ્પ્લે કરવાની વ્યવસ્થા ગોઠવાઈ છે. ૨ હજાર મતદારોને ૫૦૦-૫૦૦ના ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. કુલ ૪૦ કાઉન્ટર ઉભા કરાયા છે, જેથી બે થી ત્રણ મિનિટમાં મતદારોને બેલેટ પેપર મળી શકે. દરેક મતદારને ૩૧ મત આપવાના રહેશે અને ૯ મત પેટીઓમાં ૯ અલગ-અલગ મતપત્રકો નાંખવાના રહેશે. નામદાર કોર્ટના હુકમને કારણે હાલ મતગણતરી જાહેર કરવામાં આવશે નહીં. મતપત્રકોને સીલ કવરમાં સુરક્ષિત રાખવાની સૂચના આપવામાં આવી છે. વધુ સુનાવણી બાદ પરિણામ જાહેર થશે..
રોયલ સત્યમેવ જયતે ગ્રુપનેઈરફાન પઠાણનું સમર્થન
પૂર્વઆંતરરાષ્ટ્રીય ક્રિકેટર ઈરફાન પઠાણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, હું આજે જે કંઈ છું તે બીસીએના કારણે છું, પરંતુ છેલ્લા વર્ષોમાં સંસ્થાનું સ્તર નીચે જઈ રહ્યું છે. તેમણે સિલેક્શનમાં પારદર્શિતા અને ઓછી મેચ રમેલા લોકોને આગળ મૂકી પાછળથી નિયંત્રણ કરવું રમતના હિતમાં નથી, એમ કહી તેણે સુધારાની માગણી કરી હતી. જમ્મુ-કાશ્મીર ક્રિકેટ સાથેના અનુભવોનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું કે સ્વતંત્રતા મળે તો પરિણામ મળે છે.
મતપેટીઓનો કબજો કલેક્ટરને સોંપવા રજૂઆત
આવતીકાલે બીસીએની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. જોકે, હાઇકોર્ટના આદેશ મુજબ પૂર્વ મંજૂરી વગર ચૂંટણી પરિણામ જાહેર કરી શકાશે નહીં. તેમજ મતદાન પૂર્ણ થયા બાદ બેલેટ પેપર અને મતપેટીઓને સુરક્ષિત રાખવાની ફરજિયાત શરત મુકવામાં આવી છે. દરમિયાન રોયલ સત્યમેવ જયતે પેનલના ઉમેદવારોએ આજે બીસીએ હાઉસ ખાતે ચૂંટણી પંચને મળી જિલ્લા કલેક્ટર, વડોદરાને મતપેટીઓનો કબજો સોંપવા માગ ઉઠાવી છે, જેથી મતદાન પ્રક્રિયાની પારદર્શિતા અને સુરક્ષા જળવાઈ રહે.
પ્રચારનું સ્તર કથળી ગયું, વિકાસને વેગ આપીશું
આજે રિવાઈવલ જૂથે યોજેલી પત્રકાર પરિષદમાં સ્ટેડિયમના નામકરણથી લઈને સ્ટેડિયમના ખર્ચ, હરીફ જૂથના એજન્ડા અને સંસ્થા સામે લગાવવામાં આવેલા આક્ષેપો સુધી અનેક મુદ્દાઓ પર ખુલાસા કર્યા હતા. સાથે જ હરીફ જૂથ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનું ખંડન કરીને પોતાના કાર્યકાળની સિદ્ધિઓ ગણાવી હતી.સંસ્થાના તમામ નાણાકીય હિસાબો સભ્યોના સહયોગથી પાસ કરાયા છે. ક્રિકેટના સ્તર અંગે પણ સ્પષ્ટ કર્યું કે જુનિયર અને સિનિયર બંને સ્તરે ટીમોએનોંધપાત્ર પ્રદર્શન કર્યું છે અને કોચિંગ, તાલીમ અને સુવિધાઓમાં વધારો કરાયો છે.










