![]()
– એકના એક પુત્રના ઓનર કિલિંગ બાદ પિતા પોલીસના શરણે
– હત્યાનો ભોગ બનેલા પુત્રે ચાર દિવસ પહેલા ઝેરી દવા પી જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યાનું બહાર આવ્યું
જસદણ: જસદણ પંથકમાં હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. આટકોટમાં નશેડી પુત્ર અવારનવાર નશાની હાલતમાં ઘરે આવી ઝઘડો કરતો હોવા ઉપરાંત દેણુ કરી દીધું હોવાથી આજે સવારે પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થતાં પિતાએ રાંપના ઘા ઝીંકી પતાવી દીધો હતો. પુત્રને રાંપના ઘા ઝીંક્યા બાદ પિતા પોલીસ મથકમાં હાજર થઈ ગયા હતાં. આ અંગે આટકોટ પોલીસે કાર્યવાહી કરી પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. હત્યાનો ભોગ બનનાર પુત્રે ચાર દિવસ પહેલા આત્મહત્યાની પણ કોશીષ કરી હતી.
દારૂ, ગાંજાનું વ્યસન હોવા ઉપરાંત પિતા પર દેવું વધારી દેતા ઉશ્કેરાયેલા પિતાએ રાંપનો ઘા ઝીંકી દીધો
જાણવા મળતી વિગત મુજબ આટકોટમાં જસદણ ચોકડી પાસે પાણીના ટાંકા નજીક રહેતો તુષાર (ઉ.વ.૨૮) આજે સવારે સાત વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે તેના પિતા ઘનશ્યામભાઈ ભીમજીભાઈ સેલિયા સાથે ઝઘડો થયો હતો. જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા પિતા ઘનશ્યામભાઈએ પુત્ર તુષારને માથામાં લોખંડની રાપનો ઘા ઝીંકી દેતા તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે પ્રથમ આટકોટ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
બીજી તરફ આ ઘટના બાદ ઘનશ્યામભાઈ આટકોટ પોલીસ મથકમાં હાજર થઈ ગયા હતાં અને પુત્ર સાથે ઝઘડો થતાં તેના માથામાં રાંપનો ઘા મારી દીધાનું કબુલ્યું હતું. આ અંગે આટકોટ પોલીસ મથકના પી.આઈ. આર.એસ. સાકરિયા સહિતના સ્ટાફે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી જઈ મૃતક તુષારના મૃતદેહને પીએમમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ મૃતક તુષાર એક બહેનનો એકનો એક મોટોભાઈ અને અપરણીત હતો. તેના પિતા ખેતીકામ કરે છે. તે કોઈ કામ ધંધો કરતો ન હતો એટલું જ નહીં દારૂ અને ગાંજો પીવાની ટેવ ધરાવતો હોવાથી અવારનવાર નશાની હાલતમાં ઘરે આવી પિતા સાથે ઝઘડો કરતો હતો. આજે સવારે પણ પિતા સાથે ઝઘડો કરતો હોવાથી ઉશ્કેરાટમાં પિતાએ તેની હત્યા કરી નાખી હતી. વધુ તપાસમાં મૃતક તુષારે ચારે’ક દિવસ પહેલા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.










