![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિ હેઠળ ૧૨૦ કલાકની ઈન્ટર્નશિપ કરાવવાના નિયમની સામે હવે કચવાટ વધી રહ્યો છે.એક તરફ વિદ્યાર્થીઓને આ ઈન્ટર્નશિપ માટે ચાર ક્રેડિટ મળવાની છે તો બીજી તરફ અધ્યાપકો પર તેના કારણે કામનું ભારણ વધવાનું છે.
ઈન્ટર્નશિપના મુદ્દે હવે આર્ટસ ફેકલ્ટીના અધ્યાપકોએ બાંયો ચઢાવી છે.મળતી વિગતો પ્રમાણે આર્ટસ ફેકલ્ટીના સંખ્યાબંધ વિભાગના હેડ દ્વારા ડીન સમક્ષ માગણી કરવામાં આવી છે કે, ફેકલ્ટીના વિદ્યાર્થીઓને ફેકલ્ટીમાં અને જે તે વિભાગમાં ઈન્ટર્નશિપ કરવાની મંજૂરી આપવામાં આવે.કેટલાક અધ્યાપકોનું કહેવું છે કે, આર્ટસમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી જેવા વિભાગોના વિદ્યાર્થીઓને તો ઈન્ટર્નશિપ ક્યાં કરાવવી તે એક સવાલ છે.કોઈ જગ્યાએ વહીવટી કામગીરીની ઈન્ટર્નશિપ કરાવવાનો કોઈ અર્થ નથી.કારણકે આવા વિદ્યાર્થીઓ સાહિત્યનો અભ્યાસ કરી રહ્યા છે.આ સંજોગોમાં ફેકલ્ટીમાં જ વિદ્યાર્થીઓને જે તે વિભાગમાં રિસર્ચ સબંધી કામગીરી સોંપીને ૧૨૦ કલાકની ઈન્ટર્નશિપ કરાવવી હિતાવહ છે.
ફેકલ્ટી ડીને આ માટે યુનિવર્સિટીની મંજૂરી લેવી પડશે તેમ હેડને કહ્યું હતું.જોકે સત્તાધીશો તરફથી આ માટે હજી સુધી મંજૂરી મળી નથી.
સાયન્સ અને હોમસાયન્સમાં ઈન્ટર્નશિપ શરુ
સાયન્સ ફેકલ્ટીમાં ચાર વિભાગમાં વિદ્યાર્થીઓની ઈન્ટર્નશિપ શરુ કરી દેવાઈ છે.બોટની અને ઝૂલોજી વિભાગના વિદ્યાર્થીઓએ કોર્પોરેશનના પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગ અને ઝૂ સાથે જોડાણ કર્યું છે. જોેકે અન્ય વિભાગો માટે ઈન્ટર્નશિપ માટે વિદ્યાર્થીઓને ક્યાં મોકલવા તેની મથામણ રહેશે.હોમસાયન્સ ફેકલ્ટીમાં પણ ઈન્ટર્નશિપ શરુ કરી દેવાઈ છે.
કોમર્સમાં ઈન્ટર્નશિપ કાઉન્સિલિંગમાં માંડ ૨૦ ટકા જેટલા વિદ્યાર્થીઓની હાજરી
કોમર્સ ફેકલ્ટીમાં ૧ જાન્યુઆરીથી વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ કરાવાશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે.જોકે તે પહેલા વિદ્યાર્થીઓનું બે દિવસ માટે કાઉન્સિલિંગ રાખવામાં આવ્યું હતું.જેનો ફિયાસ્કો થયો છે.કારણકે કાઉન્સિલિંગમાં માંડ ૨૦ ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.વિદ્યાર્થીઓની એવી પણ ફરિયાદ છે કે, ઈન્ટર્નશિપની સમજ મૌખિક રીતે આપી દેવામાં આવી હતી પણ તેેને લગતું કોઈ સાહિત્ય છાપવામાં આવ્યું નથી.જેના કારણે ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓને તો ઈન્ટર્નશિપ અંગે ઝાઝી જાણકારી મળી નથી.જે રીતે ઈન્ટર્નશિપના નિયમનો અમલ રાતોરાત કરાયો છે તેના કારણે કોમર્સ ફેકલ્ટીના અધ્યાપકોમાં પણ અસંતોષ હોવાનું કહેવાઈ રહ્યું છે.










