![]()
Vice Presidential Election : આવતીકાલે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે, ત્યારે બે મહત્ત્વના પક્ષો મતદાનથી દૂર રહેવાની જાહેરાત કરી છે. કે.ચંદ્રશેખર રાવની ભારતીય રાષ્ટ્ર સમિતિ (BRS) અને નવીન પટનાયકની બીજુ જનતા દળ (BJD)એ વિવિધ કારણો આપી મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. આ બંને પક્ષો એનડીએ કે પછી I.N.D.I.A. ગઠબંધનમાં સામલે નથી, જોકે તેમ છતાં ચૂંટણી માટે તેમના મત ખૂબ મહત્ત્વના છે. આવી સ્થિતિમાં બંનેના નિર્ણયથી રાજકીય ખળભળાટ મચી ગયો છે.
BRSનો ભાજપ-કોંગ્રેસ પર આક્ષેપ
બીઆરએસના અધ્યક્ષ ટી.રામા રાવે કહ્યું કે, ‘રાજ્યમાં યુરિયાની અછતના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેના કારણે અમે ચૂંટણીમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને યુરિયાની અછત દૂર કરવામાં નિષ્ફળ ગયા છે. આ અછતના કારણે લાઈનમાં ઉભા રહેલા ખેડૂતો વચ્ચે મારામારી થઈ રહી છે.’
બીજીતરફ કે.ચંદ્રશેખર રાવ (K.Chandrashekar Rao)એ કહ્યું કે, ‘જો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં નોટાનો વિકલ્પ હોત તો અમે તે વિકલ્પનો ઉપયોગ કરી સકતા હતા.’
આ પણ વાંચો : ‘આધાર કાર્ડ મતદાર યાદી માટે માન્ય ઓળખ પત્ર, પરંતુ નાગરિકતા માટે નહીં’, સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા
અમારું ઓડિશાના વિકાસ પર ધ્યાન કેન્દ્રીત : BJD
BJDના સાંસદ સસ્મિત પાત્રાએ જણાવ્યું કે, ‘બીજુ જનતા દળે આવતીકાલે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. બીજુ જનતા દળ NDA અને INDIA બંને ગઠબંધનથી સમાન અંતર જાળવી રાખશે. અમે ઓડિશા અને તેના સાડા ચાર કરોડ લોકોના વિકાસ અને કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.’
#WATCH | Delhi: BJD MP Sasmit Patra says, “Biju Janata Dal has decided to abstain from the vice presidential elections tomorrow. The Biju Janata Dal remains equidistant from both the NDA and INDIA alliances. We are focused on the development and welfare of Odisha and 4.5 crore… pic.twitter.com/hiUuhdgwYh
— ANI (@ANI) September 8, 2025
YSRCPએ NDAને સમર્થન જાહેર કર્યું
આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની YSRCP પાર્ટીએ ઈન્ડિયા ગઠબંધનને આંચકો આપીને એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનને સમર્થન આપવાની જાહેરાત કરી છે. જોકે YSRCP હાલ કોઈ ગઠબંધનમાં નથી, તેમ છતાં તેણે પોતાના રાજ્યના જ વિપક્ષી ગઠબંધનના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને સમર્થન ન આપવાનું નક્કી કર્યું છે. બીજી તરફ, હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સુદર્શન રેડ્ડીને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. આ વાતની પુષ્ટિ પાર્ટીના સાંસદ અયોધ્યા રામી રેડ્ડીએ કરી છે.
આવતીકાલે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી
આવતીકાલે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવાની છે. સવારે 10.00 વાગ્યાથી સાંજે 5.00 વાગ્યા સુધી મતદાન યોજાશે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાર મંડળમાં કુલ 788 સભ્યોનો સમાવેશ થાય છે, જેમાં રાજ્યસભાના 233 ચૂંટાયેલા, 12 નામાંકિત અને લોકસભાના 543 ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે. હાલમાં 781 સભ્યો સક્રિય છે. NDA તરફથી સી.પી.રાધાકૃષ્ણન (C.P.Radhakrishnan)ને ઉમેદવાર બનાવાયા છે, તો ઈન્ડિયા ગઠબંધન તરફથી બી.સુદર્શન રેડ્ડી (B.Sudershan Reddy)ને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : નેપાળમાં શાળા-કોલેજમાં ભણતા યુવાનોએ કેમ કર્યો બળવો? શું માત્ર સોશિયલ મીડિયા જ જવાબદાર?










