![]()
– રતનપરના શખ્સે વ્યાજના રૂપિયાની ઉઘરાણી માટે ગંભીર ઈજા પહોંચાડેલી
– દોઢ વર્ષ સાદી કેદ અને બે વર્ષ સખત કેદની સજા અલગ-અલગ ભોગવવા કોર્ટનો હુકમ
ભાવનગર : ઉમરાળામાં ચાર વર્ષ પૂર્વે વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી રતનપરના શખ્સે વૃદ્ધ દંપતીને માર માર્યાની ઘટનામાં કોર્ટે અલગ-અલગ કલમો હેઠળ સજા અને દંડ ફટકાર્યો છે.
ઉમરાળામાં જૈન દેરાસની બાજુમાં રહેતા કનૈયાલાલ શામજીભાઈ ઉંડવિયા (ઉ.વ.૬૫) અને તેમના પત્ની અરૂણાબેન ગત તા.૨૫-૧૦-૨૦૨૧ના રોજ સવારના સમય ઉમરાળા ગામે રામજી મંદિર ખાતે દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે દશરથસિંહ ગંભીરસિંહ ગોહિલ (ઉ.વ. હાલ ૭૩, રહે, રતનપર, તા.ઉમરાળા) નામના શખ્સે ‘મેં તને આજથી ચાર વર્ષ પહેલા ત્રણ ટકા લેખે બે લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા, તેનું વ્યાજ તારે આપવાનું છે’ તેમ કહીં ગાળો દઈ બોલાચાલી કરી ધોકા વડે હુમલો કરી બચાવવા વચ્ચે પડેલા અરૂણાબેનને પણ ધાકાના ઘા ઝીંકી ઈજા પહોંચાડી હતી. જે બનાવ અંગે ઈજાગ્રસ્ત વૃદ્ધે શખ્સ સામે ઉમરાળા પોલીસમાં આઈપીસી ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪ અને મની લેન્ડ એક્ટની કલમ ૪૦, જીપી એક્ટની ૧૩૫ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાનમાં આ અંગેનો કેસ ઉમરાળાના પ્રિન્સિપાલ જ્યુડી. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વાય.કે.ખાંટની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલની ધારદાર દલીલો, રજૂ થયેલા આધાર-પુરાવાઓને ધ્યાને લઈ આરોપી દશરથસિંહ ગોહિલને તકસીરવાન ઠેરવી આઈપીસી ૩૨૩ મુજબ ગુના સબબ ૬ માસ સાદી કેદની સજા, રૂા.૫૦૦નો દંડ, દંડ ન ભરે તો ૧૫ દિવસની વધુ સજા, આઈપીસી ૩૨૪ હેઠળ એક વર્ષની સાદી કેદ, એક હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ એક માસની સજા તેમજ આઈપીસી ૩૨૫ હેઠળ બે વર્ષ સખત કેદની સજા, પાંચ હજારો દંડ, દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. વધુમાં આરોપીએ ફરમાવેલ સજા અલગ-અલગ ભોગવવાની રહેશે. દંડની રકમ પૈકી પાંચ હજાર રૂપિયા ફરિયાદીને ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે.










