![]()
અમદાવાદ, શનિવાર
શહેરના સેટેલાઇટ ઝાંસીની રાણીના સ્ટેચ્યુ પાસે આવેલા કલામંદિર જ્વેલર્સમાં એક ગઠિયાએ શંકાસ્પદ બેંક એકાઉન્ટમાંથી આશરે ૨૮ લાખ રૂપિયાની કિંમતની સોનાની લગડી ખરીદીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ મથકે નોંધવામાં આવી છે. તેલંગણા અને તામીલનાડુની સાયબર ક્રાઇમની નોટિસ આવવાની સાથે જ્વેલર્સનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે નરોડામાં રહેતા યશ અગ્રવાલ નામના ગઠીયાએ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં શંકાસ્પદ બેંક એકાઉન્ટથી નાણાં ચુકવીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી.
સેટેલાઇટમાં આવેલા કલામંદિર જ્વેલર્સમાં ફંડ મેનેજર તરીકે નોકરી કરતા પિંકલ લાલાણીએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે ગત એપ્રિલ ૨૦૨૫માં તેમના જ્વેલર્સમાં કેરાલા, તેલગણાં અને તામીલનાડુના સાયબર ક્રાઇમની નોટીસ આવી હતી.જેમાં તેમનું સુરતમાં આવેલા બેંક એકાઉન્ટમાં શંકાસ્પદ બેંક એકાઉન્ટથી આવેલા નાણાં જમા થતા તે ફ્રીઝ કરાયું હતું.
આ અંગે તપાસ કરાવવામાં આવતા જાણવા મળ્યું હતું કે ફેબુ્રઆરી મહિનામાં યશ અગ્રવાલ (રહે. શ્યામવીલા ગ્રીન્સ, સેલ્બી હોસ્પિટલ પાસે, નરોડા) નામનો યુવક આવ્યો હતો. તેણે સોનાની લગડીના ભાવ પુછીને ૨૦ ગ્રામની લગડી ખરીદીને બી બી એન્ડ સન્સ નામના બેંક એકાઉન્ટમાંથી નાણાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ તેણે યુનિક બિલ્ડર નામના બેંક એકાઉન્ટથી નાણાં ચુકવીને સોનાની લગડી ખરીદી હતી. આ ઉપરાંત, તેણે અમોલ ટ્રેડર્સ, અનિલ જનરલ સ્ટોર અને અન્નપૂર્ણા વેરાયટીના નામે સોનાની લગડી ખરીદીને નાણાં ચુકવ્યા હતા. આમ, તેણે કુલ ૬૧ લાખની કિંમતનું કુલ ૬૭૫ ગ્રામ સોનું ખરીદી કર્યું હતું. આ ૬૧ લાખ પૈકી ૨૮ લાખની ચુકવણી તેણે બે શંકાસ્પદ એકાઉન્ટમાંથી કરીને બેનામી નાણાંથી સોનું લીધું હતું. આ અંગે સેટેલાઇટ પોલીસે યશ અગ્રવાલ અને ભરત મકવાણા નામના વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.










