કવિશ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય અને ભાતીગળ લોકડાયરો યોજાયો
ગુજરાતી કવિઓના સાહિત્યિક પ્રદાનને સંશોધન દ્વારા વૈશ્વિક શૈક્ષણિક ફલક પર ઉજાગર કરવા ‘કવિ દુલા ભાયા કાગ સેન્ટર ફોર ગુજરાત કલ્ચર સ્ટડીઝ’ સ્થાપવાનો પ્રસ્તાવ
કવિશ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના આર્થિક સહયોગથી તથા શામળદાસ કોલેજના સથવારે તા. ૨૫ નવેમ્બરના રોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ સ્થિત અટલ ઓડિટોરિયમ ખાતે કવિ દુલા ભાયાની ૧૨૩મી જન્મજયંતિ નિમિત્તે લોકડાયરા ‘કાગ વંદના’નું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો શુભારંભ ભાવનગર પૂર્વનાં ધારાસભ્ય સેજલબેન પંડ્યા, જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, ભાજપ પ્રદેશ પ્રવક્તા ઘનશ્યામભાઈ મોડ, શહેર ભાજપ ઉપાધ્યક્ષ હિતેષભાઈ પરમાર, શહેર મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, નિલેશભાઈ રાવલ, પૂર્વ શહેર પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, સોનલધામ મઢડાના ગીરીશઆપા, તુલસીબાપુ હરિયાણી, દાદબાપુ કાતર, પ્રવીણભાઈ ગઢવી, રાજુભાઈ ઉપાધ્યાય, રણધીરસિંહ ઝાલા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપપ્રાગટ્ય સાથે થયો હતો.
કવિ કાગબાપુના પ્રપૌત્ર અને કાર્યક્રમના સંયોજક ઈશ કાગે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કાગ પરિવાર દ્વારા અતિથિવિશેષ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા કવિ વિનોદ જોષીએ બીજવક્તવ્ય આપતાં કાગબાપુના સાહિત્યિક સર્જન અને તેના વિવિધ પાસાંઓ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન લોકસાહિત્યકાર ભગવતદાન ગઢવીએ કર્યું હતું.
આ પ્રસંગે ઈશ કાગે કાગબાપુના સાહિત્યના ઊંડાણપૂર્વકના અભ્યાસ અને ગુજરાતી લોકસાહિત્યના સંશોધન માટે ‘ગુજરાત સેન્ટર ફોર કલ્ચર સ્ટડીઝ’ સ્થાપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
આ કેન્દ્રને ‘કવિ દુલા ભાયા કાગ સેન્ટર ફોર ગુજરાત કલ્ચર સ્ટડીઝ’ નામ આપી ભારત સરકારની કલા સંસ્કૃતિ વિકાસ યોજના અંતર્ગત સ્થાપવાની સંકલ્પના વ્યક્ત કરી હતી. ચારણી સાહિત્ય સહિત ગુજરાતી ભાષાના ઓછા જાણીતા કવિઓ અને સાહિત્યકારોના સર્જનનું સંશોધન કરી તેમને વૈશ્વિક શૈક્ષણિક ક્ષેત્રમાં સ્થાન અપાવવાના આ વિચારને ઉપસ્થિત મહાનુભાવોએ આવકાર્યો હતો.
લોકડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીર, રાજભા ગઢવી, જીજ્ઞેશ કુંચાલા, પરેશદાન ગઢવી અને ધરમ વંકાણી સહિતના કલાકારોએ લોકસંગીત અને લોકસાહિત્યની પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. ખાસ કરીને યુવા શ્રોતાઓએ કલાકારોની પ્રસ્તુતિઓને ઉત્સાહપૂર્વક માણી કાગબાપુના સાહિત્ય, જીવનદર્શન અને મૂલ્યોને આત્મસાત કર્યા હતા.
આયોજનમાં સહયોગી સંસ્થા શામળદાસ કોલેજ તરફથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) ભરત બી. રામાનુજ, નિયામક મંડળના સભ્ય ડો. ઇન્દ્ર ગઢવી તથા શામળદાસ કોલેજના આચાર્ય ડો. વિશ્વાસ જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કવિ દુલા ભાયા કાગના સાહિત્યિક વારસાના પ્રસાર, ગુજરાતી લોકસાહિત્યના જતન અને નવી પેઢીને સાંસ્કૃતિક પરંપરાઓ સાથે જોડવાના ઉદ્દેશથી આયોજિત આ કાર્યક્રમમાં સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિના વિવિધ પાસાંઓને રજૂ કરવામાં આવ્યાં હતાં.







