![]()
વડોદરા, તા.10 વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કાયાવરોહણમાં રહેતા પતિ અને પત્નીને કેનેડા મોકલવાની લાલચ આપી માંજલપુર વિસ્તારમાં સરસ્વતી કોમ્પ્લેક્સ પાસે શિવાય ઓવરસિઝ નામની એજન્સીના ભેજાબાજે રૃા.૩૩.૭૨ લાખ પડાવી લીધા બાદ હાથ અધ્ધર કરી દીધા હતાં.
કાયાવરોહણ ગામે વાટાવગામાં રહેતી નેન્સી પટેલે ડભોઇ પોલીસ સ્ટેશનમાં મિલીન ઇન્દ્રવદન પટેલ (રહે.ટાંકી ખડકી, કંડારી, હાલ શિવાય ઓવરસિઝ, શ્લોક કોમ્પ્લેક્સ, માંજલપુર અતિથિગૃહની સામે, માંજલપુર) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારા લગ્ન વર્ષ-૨૦૧૧માં સુનિલ પટેલ સાથે થયા હતાં. વર્ષ-૨૦૨૨માં મારે તેમજ પતિને વિદેશ જવાનું હોવાથી વર્ક પરમિટ વિઝા અપાવવા માટેનું કામ કરતા ગામના વ્રજકુમાર કલ્પેશભાઇ પટેલ દ્વારા મિલીન પટેલનો સંપર્ક થયો હતો.
મિલીનને માંજલપુર ખાતેની તેની ઓફિસે મળ્યા ત્યારે તેણે વર્ક પરમિટ વિઝાની ગોઠવણ કરી આપીશ તેમ કહી રૃા.૩૫થી ૩૭ લાખ ખર્ચ થશે તેમ કહ્યું હતું અને બે દિવસ બાદ કાગળો આપજો તેમ જણાવેલ. બે દિવસ બાદ હું અને મારો પતિ બંને ઓફિસે જઇને મિલીનને પાસપોર્ટ, એલસી સહિતના કાગળો આપ્યા હતાં. શરૃઆતમાં તેણે લંડનનું કહ્યું હતું પરંતુ તેણે લંડન માટે અમને ગભરાવ્યા હતા અને લંડન કે યુએસએ કરતા કેનેડા સરળ રહેશે અને તેના વિઝા ફટાફટ કરાવી વર્ક પરમિટ અપાવી દઇશ તેમ કહેતા અમે તેની વાતમાં આવી ગયા હતાં.
આ કામ માટે તેણે અમારી પાસેથી રોકડ અને ગુગલ પેથી રકમ લીધી હતી. થોડા દિવસો બાદ અમને મિલીનના મેઇલ પરથી મારા પતિ પર એક મેઇલ આવ્યો હતો જેમાં કેનેડાના વિઝિટર વિઝાનો ઉલ્લેખ હતો. આ અંગે મિલીનને જ્યારે પૂછ્યું તો તેણે કહ્યું કે હાલ તમો વિઝિટર વિઝા પર જાઓ ત્યાં ગયા પછી વર્ક પરમિટ મળી જશે તે મારી જવાબદારી છે. અમે અનેક વખત કહ્યા બાદ મિલીને પાસપોર્ટ આપતા અમે કેનેડાની ટિકિટ કઢાવી ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે મિલીને ઠગાઇ કરી છે જેથી પરત ફરવું પડયું હતું. વડોદરા પરત ફર્યા બાદ અમે મિલીનને મળી પૈસાની માંગણી કરતા તે ગલ્લાતલ્લા કરતો હતો.
કેનેડા ઉતર્યા અને ખબર પડી કે મિલીને હોટલનું બુકિંગ કર્યુ નથી
કાયાવરોહણના પતિ અને પત્નીને વર્ક પરમિટ વિઝાના બદલે વિઝિટર વિઝા કરી આપી કેનેડા પહોંચ્યા બાદ વર્ક પરમિટ કરી આપીશ તેવો વિશ્વાસ મિલીન પટેલે આપ્યો હતો.
નેન્સી પટેલ તેના પતિ સાથે તા.૮ જુલાઇ ૨૦૨૪ના રોજ વેનકુંવર એરપોર્ટ પર ગયા ત્યારે ઇમિગ્રેશન ઓફિસમાં ચકાસણી થઇ હતી. આ વખતે જાણ થઇ કે મિલીને બુક કરેલ હોટલ પર અધિકારીઓએ તપાસ કરતા કોઇ બુકિંગ ના હોવાનું જણાયું હતું. આમ બોગસ ડોક્યૂમેન્ટના કારણે એરપોર્ટ પર બંનેને રોકી દેવાયા હતાં.
મિલીને રિટર્ન ટિકિટ પણ કેન્સલ કરી હોવાથી પતિ અને પત્નીએ એક દિવસ પોલીસ પહેરા હેઠળ રહેવું પડયું હતું. બાદમાં કેનેડા ગવર્નમેન્ટે રિટર્ન ટિકિટ કરાવી બંનેને તા.૧૧ જુલાઇના રોજ પરત ઇન્ડિયા મોકલી દીધા હતાં અને રૃા.૩૦૦૦નો યુએસ ડોલરનો દંડ કર્યો હતો જે હજી પણ ભરવાનો બાકી છે.
રૃા.૧૦ લાખ રોકડા આપ્યા ત્યારે મિલીનનો વીડિયો ઉતારી લીધો
માંજલપુર વિસ્તારના ભેજાબાજ મિલીન પટેલ રોકડ રકમ લેવાનો જ આગ્રહ રાખતો હોવાથી જ્યારે રકમની ચૂકવણી કરે ત્યારે પતિ અને પત્ની બંને વીડિયો રેકોર્ડિંગ કરી લેતા હતાં.
વર્ક પરમિટ વિઝાના બદલે વિઝિટર વિઝા કરી શરૃઆતથી છેતરપિંડીની દાનત રાખતો મિલીન પટેલ જ્યારે કાયાવરોહણ ગામમાં પૈસા લેવા ગયો ત્યારે રૃા.૧૦ લાખ રોકડ આપ્યા તેનું પણ રેકોર્ડિંગ કરી લીધું હતું.
મિલીન પટેલે વિદેશ મોકલવાના બહાને અનેક લોકો સાથે લાખો રૃપિયાની ઠગાઇ કરી હોવાની વિગતો બહાર આવી છે. આ વાત સોશિયલ મીડિયા દ્વારા ફેલાતા આજે સાંજે ભોગ બનેલા અનેક લોકો માંજલપુરમાં તેની ઓફિસ બહાર ઉમટી પડયા હતાં.










