![]()
કારમાં બોગસ નંબર પ્લેટ લગાવી મધ્ય પ્રદેશથી દારૂ- બિયરનો જથ્થો ભરી લાવી બાપોદના બુટલેગરને આપે તે અગાઉ બે શખ્સોને પીસીબીએ વાઘોડિયા ચોકડી ખાતેથી ઝડપી પાડી રૂ. ૩ લાખની કિંમતના દારૂ – બિયરના જથ્થા સાથે કુલ રૂ. ૯.૦૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી અન્ય બે શખ્સોને ફરાર જાહેર કર્યા છે.
પીસીબી ટીમને બાતમી મળી હતી કે, સફેદ કલરની ક્રેટા કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી બે શખ્સો વાઘોડિયા ચોકડીથી પ્રવેશ કરવાના છે. અને આ દારૂનો જથ્થો સચિન ઉર્ફે સળંગ (રહે -બાપોદ)ને પહોંચાડવાનો છે. જેના આધારે આજે સવારે ૯ વાગ્યે પોલીસે ને. હા. નં. ૪૮ વાઘોડિયા ચોકડી બ્રિજ નીચે વોચ ગોઠવી બાતમી મુજબની કાર પસાર થતા તેને રોકી હતી. કારમાં સવાર બે વ્યક્તિઓ પૈકી કારચાલક ભરત નંદુ રાઠવા (રહે-રંગપુર ગામ, હાટ બજાર પાસે, છોટાઉદેપુર) અને તેની જોડે બેઠેલો દિલીપ જયંતી રાઠવા (રહે – કાછેલ ગામ, પ્રાથમિક શાળાની બાજુમાં છોટાઉદેપુર) હોવાનું સામે આવ્યું હતું. કારની ડેકી તથા ડ્રાઇવર સીટની પાછળના ભાગેથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે, આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશના ચાંદપુર ખાતેના ઠેકા ઉપરથી ભરી બાપોદ વિસ્તારમાં રહેતા સચિન ઉર્ફે સળંગને આપવાનો હતો. પોલીસે રૂ. ૩, ૦૦,૭૨૦ની કિંમતના દારૂ – બિયરના ટીન મળી કુલ ૧૨૦૬ નંગ, એક મોબાઈલ ફોન, બે અલગ – અલગ નંબરની પ્લેટ અને કાર સહિત કુલ રૂ. ૯,૦૫,૭૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉક્ત ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે ભરત અને દિલીપની પ્રોહિબિશનના ગુનામાં અટકાયત કરી દારૂનો જથ્થો મંગાવનાર સચિન તથા દારૂનો જથ્થો આપનાર અજાણ્યા શખ્સને ફરાર જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.










