![]()
– મહેમદાવાદના કનીજ ગામની સીમમાં
– રબારી, ભરવાડ અને ઠાકોર વિરૂદ્ધ અરજીઓ કરે છે કહી બંને બુકાનીધારીઓ સ્કોર્પિયોમાં ફરાર
નડિયાદ : મહેમદાવાદ તાલુકામાં કનીજ ગામની સીમમાંથી ગાડીમાં જતા ખેડૂત પર સ્કોર્પિયોમાં આવેલા બે અજાણ્યા ઈસમોએ તલવાર અને લોખંડની પાઇપથી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો.
મહેમદાવાદ તાલુકાના મલાતજ ગામના ખેડૂત દિનેશભાઈ ધુળાભાઈ પરમાર ગઈકાલે ગાડી લઈને કનીજ સીમમાં થઈ મલાતજ તરફ આવતા હતા. દરમિયાન કનીજ સીમમાં પાણી છોડવાની કેનાલના ગરનાળા નજીક પાછળથી આવતી સ્કોપયોને સાઈડ આપવા માટે દિનેશભાઈ પરમારે ગાડી ધીમી પાડી રોડની સાઈડમાં લીધી હતી. ત્યારે સ્કોપયોમાંથી બૂકારીનીધારી બે અજાણ્યા શખ્સો ઉતર્યા હતા. એક શખ્સે દિનેશભાઈની ગાડીના કાચ ઉપર પાઈપ મારી કાચ તોડી નાખ્યો હતો. બંને શખ્સોએ જાતિ અપમાનિત કરી હાથ અને પગ ઉપર પાઈપ અને તલવાર મારતા દિનેશભાઈ પરમાર લોહી લુહાણ થઈ ગયા હતા. તમે રબારી, ભરવાડ અને ઠાકોર સમાજ વિરૂદ્ધ અરજીઓ કરો છો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી સ્કોર્પિયો લઈ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે દિનેશભાઇ ધૂળાભાઇ પરમારની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે સ્કોર્પિયો ગાડીમાં આવેલા બે અજાણ્યા ઈસમો સામે ગુનો દાખલ કર્યો હતો.










