![]()
સંસ્કારી નગરી વડોદરામાં નશો કરી અકસ્માત સર્જવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે રવિવારે રાત્રે અકોટા ગાર્ડન ચાર રસ્તા પાસે કાર ચાલકે મોપેડ ચાલક મહિલાને અડફેટે લેતા મહિલાને ઓછીવતી ઈજા પહોંચી હતી. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. અકસ્માત સર્જનાર કારચાલક નશામાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અને મુજમહુડા પાસે પણ ટુ વ્હીલર ચાલકને લીધો હોવાનું સ્થળ પર એકત્ર થયેલા લોકોમાં ચર્ચા હતી. અકોટા ગાર્ડન પાસે સર્જાયેલા અકસ્માત બાદનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં કારચાલક પોતે નવાપુરા પોલીસ સ્ટેશનથી નિવૃત્ત પીએસઆઇ ધીરજભાઈ પરમાર હોવાનું જણાવી કહે છે કે, આગળ અકસ્માત થતાં તે વ્યક્તિને મે રૂ. ૧૦ હજાર આપ્યા છે. હવે આ બેનને આપવા મારી પાસે પૈસા નથી. મારો પરિવાર સુરત રહે છે. નુકસાનીના વળતર માટે બંને પક્ષ વચ્ચે રકઝક થઈ હતી. ઘટનાની જાણ થતા 112 પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ બંને પક્ષને જે.પી.રોડ પોલીસ મથકે લઈ જવાયા હતા.










