![]()
વડોદરાઃ અભ્યાસ પ્રત્યે લગાવ હોય અને સફળતા મેળવવાનો મક્કમ નિર્ધાર કર્યો હોય તો ગમે તેવા અવરોધો પણ મંઝિલ પર પહોંચવાની આડે આવતા નથી.વડોદરાના વિદ્યાર્થી ગુરુદત્ત દવેનો કિસ્સો પણ બીજા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે.
બેચલર થયેલા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે આઈઆઈટીમાં માસ્ટર કરવા માટે તથા જાહેર સાહસોમાં નોકરી માટે ગેટ પરીક્ષા લેવામાં આવે છે.આજે જાહેર થયેલા આ પરીક્ષાના પરિણામમાં ગુરુદત્તે ઈલેક્ટ્રોનિક્સના પેપરમાં સમગ્ર ભારતમાં ૭૫મો અને ઈલેક્ટ્રિકલના પેપરમાં ૩૩૩મો ક્રમ મેળવ્યો છે.
ગુરુદત્તે કહ્યું હતું કે, હું એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં એન્જિનિયરિંગના બીજા વર્ષમાં હતો ત્યારે ડિટેન થયો હતો અને આ પરિણામે મને ઢંઢોળી નાંખ્યો હતો.મેં ગમે તે ભોગે સફળતા મેળવવાનું નક્કી કર્યું હતું.મેં ભણવામાં વધારે ધ્યાન આપવા માંડયું હતુ ત્યારે જ ૨૦૨૪માં મને ચોથા સ્ટેજનું લિમ્ફોમા કેન્સર હોવાનું નિદાન થયું હતું.
તેણે આગળ કહ્યું હતું કે, કિમોથેરાપી ચાલતી હતી અને આ દરમિયાન મેં ગેટ પરીક્ષાની તૈયારી શરુ કરી હતી.પરિવાર, મિત્રો અને શિક્ષકોએ ઘણી હુંફ અને સપોર્ટ આપ્યો હતો.૨૦૨૪-૨૫ની ગેટ પરીક્ષામાં મેં ૧૩૩૪મો રેન્ક મેળવ્યો હતો.આટલાથી સંતોષ નહીં હોવાથી આ વર્ષે મેં ફરી એક નહીં બે પેપરની ગેટ પરીક્ષા આપી હતી અને બંને પેપરમાં ટોપ-૫૦૦માં સ્થાન મેળવ્યું છે.આમ કેન્સરની સાથે સાથે પરીક્ષાની નિષ્ફળતા સામેનો જંગ જીત્યો છું તેનો સંતોષ છે.










