![]()
– મહેમદાવાદ તાલુકાના જીભઈપુરા પાસે આવેલી
– કાયદેસર કાર્યવાહીની સિંચાઈ વિભાગની અને રસ્તા રોકો આંદોલનની ગ્રામજનોની ચિમકી
નડિયાદ : મહેમદાવાદ તાલુકાના જીભઈપુરા પાસે આવેલી અમૂલ ડેરીના ચીઝ પ્લાન્ટ દ્વારા વોશવાળું દૂષિત પાણી સિંચાઈ માટેની ૧૫-એલ માઈનોર કેનાલમાં છોડવામાં આવતું હોવાની ગંભીર બાબત સામે આવી છે. સિંચાઈ વિભાગની મંજૂરી ના હોવા છતાં પ્લાન્ટ દ્વારા પરમિશન લેટરના નામે આ પાણી છોડવામાં આવી રહ્યું હતું. ખેડૂતોની સતત રજૂઆતો બાદ મહેમદાવાદ સિંચાઈ પેટા વિભાગે ગઈકાલે ફરીથી પ્લાન્ટને નોટિસ ફટકારી છે.
મહેમદાવાદના ખાત્રજ ચોકડીથી નડિયાદ રોડ પર આવેલા જીભઈપુરા ગામ પાસે અમૂલ ચીઝ પ્લાન્ટના પ્રવાહી તળાવમાંથી પાઈપ નાખીને કેમિકલ અને ગંદુ પાણી માઈનોર કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. જે દેવકી વણસોલ તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી, ચોમાસા દરમિયાન આ પ્રકારે દૂષિત પાણી છોડવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. થોડા સમય પહેલા જીભઈપુરા અને દેવકી વણસોલ ગામના સરપંચોએ લેખિત રજૂઆત કરી હતી, જેમાં આસપાસના ખેડૂતોના પાક નિષ્ફળ જઈ રહ્યા હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
દૂષિત પાણી દેવકી વણસોલ ગામ તરફના મુખ્ય માર્ગ પર પણ ભરાયેલું જોવા મળે છે. આ ગંભીર મામલે દેવકી વણસોલના સરપંચે જિલ્લા કલેકટર, જીપીસીબી વિભાગ સહિત ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆતો કરી હતી.
સિંચાઈ વિભાગે અમૂલ ડેરીને પાઠવેલી નોટિસમાં જણાવ્યું છે કે, નહેરમાં સિંચાઈના હેતુ માટે જ પાણી છોડવામાં આવે છે અને આ દૂષિત પાણી લોકો તથા પશુઓના આરોગ્ય માટે અત્યંત જોખમી છે. અગાઉ ૧૨/૧૨/૨૦૨૪ના રોજ પણ આ બાબતે તાકીદ કરવામાં આવી હતી, પરંતુ પ્લાન્ટ દ્વારા તેની અવગણના કરવામાં આવી છે. જો દૂષિત પાણી છોડવાનું તાત્કાલિક બંધ નહીં કરાય, તો ગુજરાત સિંચાઈ અને પાણી નિકાલ વ્યવસ્થા અધિનિયમ-૨૦૧૩ની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ નોટિસમાં ઉચ્ચારવામાં આવી છે.
સરપંચ દ્વારા એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો આગામી સમયમાં કેનાલમાં કેમિકલવાળું પાણી છોડવાનું બંધ કરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવશે. ત્યારે હવે આ સમગ્ર પ્રકરણમાં આગળ કેવા પ્રકારની કાર્યવાહી થાય છે, તેની પર સૌની નજર છે.
ટ્રીટેડ પાણી છોડવાની સિંચાઈ વિભાગની પરવાનગી શંકાના દાયરામાં
પાંચેક મહિના પહેલા શેઢી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વારા અમૂલ ચીઝ પ્લાન્ટને ટ્રીટેડ પાણી કેનાલમાં નાખવા દેવા માટે મહી સિંચાઈ વર્તુળના અધિક્ષક ઈજનેરને ભલામણ કરી હતી અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે પરવાનગી આપી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તે બાદ મહી કેનાલ વિભાગને ભલામણ કરાઈ હતી. પરંતુ ક્યાંય સ્પષ્ટ પણે પાણી છોડવા દેવાનો આદેશ કરાયો નહોતો. આ પત્રના ઓથા હેઠળ પ્લાન્ટમાંથી દૂષિત પાણી છોડાતું હોવાની વારંવાર ફરિયાદો ઉઠવા છતાં સિંચાઈ વિભાગના પેટનું પાણીય હાલ્યું નહોતું. ત્યારે જીપીસીબીની પરવનાગી અને શેઢી સિંચાઈના અધિકારીની ભલામણ હવે સમગ્ર મામલે શંકાના દાયરામાં છે.










