![]()
Jitan Ram Manjhi attacked with Stones: બિહારના ગયાજી જિલ્લામાં એક મોટી ઘટના સામે આવી છે, જ્યાં કેન્દ્રીય મંત્રી અને હિન્દુસ્તાની આવામ મોરચા (HAM)ના પ્રમુખ જીતનરામ માંઝી પર હુમલો કરવામાં આવ્યો છે. શુક્રવારે સાંજે ખિજરસરાઈ વિસ્તારમાં એક ખાનગી શાળાના પ્રોગ્રામમાં તેઓ ભાષણ આપી રહ્યા હતા, ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરો કેન્દ્રીય મંત્રીની સાવ નજીક આવીને પડ્યા હતા, પરંતુ સદનસીબે તેઓ આબાદ બચી ગયા હતા. મંત્રી પર થયેલા આ પથ્થરમારાને કારણે તેમની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા છે. આ મામલામાં પોલીસે અત્યાર સુધીમાં બે સગીર વયના છોકરાઓની અટકાયત કરી છે.
ઘટનાસ્થળે અફરાતફરી, બે સગીરોની અટકાયત
આ હુમલાની ઘટનાને કારણે પ્રશાસન અને પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પથ્થરમારાની માહિતી મળતા જ આસપાસના અનેક પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને થોડીવાર માટે કાર્યક્રમ સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના સમયે હાજર લીમચક બથાનીના ડીએસપી સુરેન્દ્ર કુમાર સિંહ અને એસડીઓ કેશવ આનંદે પકડાયેલા સગીરોની પૂછપરછ હાથ ધરી હતી.
જોકે, આ છોકરાઓએ કેન્દ્રીય મંત્રી પર પથ્થર કેમ ફેંક્યા તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી અને પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા જીતનરામ માંઝીએ જણાવ્યું હતું કે, ‘શું આવ્યું અને શું ગયું તે મેં જોયું નથી. કેટલાક લોકો સારું કામ થવા દેવા નથી માંગતા, એટલે જ તેઓ આવું કરી રહ્યા છે.’
ધારાસભ્ય સમધન પર પણ થયો હતો હુમલો
અહીં ઉલ્લેખનીય છે કે જીતનરામ માંઝીના પરિવાર પર હુમલાની આ કોઈ પ્રથમ ઘટના નથી. આ પહેલા ગત રવિવારે જ ગયાજી જિલ્લાના બારાચટ્ટી વિસ્તારના ‘હમ’ પક્ષના ધારાસભ્ય અને માંઝીના વેવાણ જ્યોતિ દેવી (જ્યોતિ માંઝી) પર પણ કથિત રીતે હુમલો થયો હતો. ગંભીરા ગામ પાસે રસ્તા પરથી ગાડી હટાવવા બાબતે થયેલા વિવાદમાં અસામાજિક તત્વોએ તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી અને તેમની ગાડીના કાચ તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બબાલ વધતા ઉપદ્રવીઓ અને ધારાસભ્યના સુરક્ષાકર્મીઓ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી.
આ પણ વાંચો: કોંગ્રેસ વિદેશી શક્તિઓની મદદથી હિંસા ભડકાવવા માંગે છે: રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો વળતો પ્રહાર
ધમકી આપનાર આરોપીની કરાઈ ધરપકડ
આ અગાઉ જીતનરામ માંઝીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર વીડિયો જાહેર કરીને હુમલો કરવાની ખુલ્લી ધમકી પણ આપવામાં આવી હતી. વીડિયોમાં કેન્દ્રીય મંત્રીને નિશાન બનાવીને ભડકાઉ ભાષાનો ઉપયોગ કરાયો હતો. આ વીડિયો વાઇરલ થયા બાદ ગયાજી સાયબર ક્રાઈમ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને 48 કલાકની અંદર જ ધમકી આપનાર મુખ્ય આરોપી રાજેશ રાવ ઉર્ફે સરદારની નાલંદા જિલ્લાના લહેરીસરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી હતી. હાલ પોલીસ તેની આકરી પૂછપરછ કરી રહી છે.










