![]()
Vadodara Corporation : ગરમીના માહોલ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં રસના કોલા, કેરીના રસ, મિક્સ ફળોના રસ તેમજ સોડા-ઠંડા પીણા અને તરબૂચના વેચાણ કરતા હંગામી સ્ટોર અને માંડવાઓની સંખ્યા વધી રહી છે. નાગરિકોની વધતી માંગને ધ્યાનમાં રાખીને આવા સ્ટોલ પર મોટા પ્રમાણમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ થતું હોવાથી તેની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવી અત્યંત જરૂરી બની છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.
ચેકિંગ અભિયાન દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં કાર્યરત હંગામી સ્ટોર, રસ્તા કિનારે ઉભેલા ઠંડા પીણાંના લારીઓ, કેરીના રસના સ્ટોલ તેમજ તરબૂચ અને અન્ય ફળોના રસનું વેચાણ કરતા વેપારીઓની તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને આઈસ્ક્રીમ, કેરીના વખારો (પલ્પ સ્ટોરેજ), ઠંડા પીણાં, પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર અને અન્ય ખાદ્ય વસ્તુઓની ગુણવત્તા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કામગીરીમાં “ફૂડ સેફટી ઓન વ્હીલ્સ (FSW)” વાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે એક મોબાઈલ ટેસ્ટિંગ લેબોરેટરી તરીકે કાર્ય કરે છે. વાનમાં સ્થળ પર જ નમૂનાઓ લઈ તાત્કાલિક પરીક્ષણ કરવાની સુવિધા હોવાથી ખાદ્ય પદાર્થોની પ્રાથમિક ગુણવત્તા ચકાસી શકાય છે. પરીક્ષણ દરમિયાન પીણાંમાં વપરાતું પાણી શુદ્ધ છે કે નહીં, બરફની ગુણવત્તા, રંગ અને સુગંધ જેવા પરિમાણોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સમગ્ર અભિયાનમાં શહેરના અલગ અલગ ઝોનમાં કુલ 12 ફૂડ ઇન્સ્પેક્ટરો જોડાયા હતા. દરેક ટીમે પોતાના વિસ્તારમાં આવેલા સ્ટોલ અને દુકાનોની વિગતવાર તપાસ કરી હતી. જ્યાં નિયમોનું પાલન ન થતું જણાયું ત્યાં વેપારીઓને ચેતવણી આપવામાં આવી હતી અને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. કેટલીક જગ્યાએ નમૂનાઓ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
પાલિકા તંત્ર દ્વારા વેપારીઓને સ્વચ્છતા જાળવવા, શુદ્ધ પાણીનો ઉપયોગ કરવા અને ખાદ્ય પદાર્થોને ઢાંકી રાખવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ નાગરિકોને પણ ખુલ્લા ખાદ્ય પદાર્થો ખરીદતી વખતે સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ પ્રકારની ચેકિંગ આગળ પણ ચાલુ રહેશે જેથી શહેરમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે અને નાગરિકોના સ્વાસ્થ્યને કોઈ જોખમ ન ઉભું થાય.










