![]()
Keshav Prasad Maurya On Murshidabad Babri Mosque : પશ્ચિમ બંગાળની સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયૂં કબીરે શનિવારે (6 ડિસેમ્બર) રાજ્યના મુર્શિદાબાદ જિલ્લામાં અયોધ્યાની બાબરી મસ્જિદ જેવી એક નવી મસ્જિદનો શિલાન્યાસ કર્યો હતો, જેના કારણે ભારે વિવાદ શરૂ થઈ ગયો છે. શિલાન્યાસ કાર્યક્રમમાં હજારો લોકોની હાજરીમાં આ મસ્જિદનો પાયો નાખવામાં આવ્યો હતો, જેના પગલે રાજકીય ટીકા-ટિપ્પણીઓ શરૂ થઈ ગઈ છે.
પૂજા સ્થળ બનાવવાનો મારો બંધારણીય અધિકાર : હુમાયૂં કબીર
ધારાસભ્ય હુમાયૂં કબીરે પોતાના પગલાનો બચાવ કરતા જણાવ્યું કે, ‘પૂજા સ્થળ બનાવવાનો મારો બંધારણીય અધિકાર છે અને અમે કોઈ ગેરબંધારણીય કાર્ય કરી રહ્યા નથી. જેમ કોઈ પણ મંદિર કે ચર્ચ બનાવી શકાય છે, તેમ હું પણ મસ્જિદ બનાવી શકું છું.’
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રીએ આપી ચેતવણી
બાબરી મસ્જિદના નામે મસ્જિદ બદાવવાના નિર્ણય બાદ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ આજે (7 ડિસેમ્બર) ચેતવણી આપી છે. મૌર્યએ કહ્યું કે, ‘મસ્જિદ બનાવવાનો કોઈ વિરોધ નથી, પરંતુ જો બાબરીના નામ પર કોઈ મસ્જિદ બનાવશે, તો તેનો સખત વિરોધ કરવામાં આવશે. બાબરનો યુગ 6 ડિસેમ્બર, 1992ના રોજ સમાપ્ત થઈ ગયો હતો. હવે રામ લલાનું ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે. આગામી હજારો વર્ષો સુધી પણ ભારતની ધરતી પર આવા યુગની કોઈ કલ્પના પણ કરી શકે તેમ નથી.’ તેમનું આ નિવેદન તરત જ ચર્ચામાં આવ્યું હતું.
આ પણ વાંચો : યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી ભારત આવશે !
સંસ્કૃતિનું વાતાવરણ બગાડવાનો હક કોઈને નથી : ભાજપ
આ વિવાદ મુદ્દે બિહાર ભાજપના અધ્યક્ષ દિલીપ જયસ્વાલે કહ્યું કે ‘ભારતમાં મસ્જિદ તો કોઈ પણ બનાવી શકે છે, કારણ કે તે ધર્મની આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ દેશનું ગંગા-જમુની સંસ્કૃતિનું વાતાવરણ બગાડવાનો હક કોઈને નથી. દેશના મજબૂત લોકતંત્રને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરનારાઓ ક્યારેય સફળ નહીં થાય.’
આ પણ વાંચો : ગોવામાં અગ્નિકાંડનો ખૌફનાક VIDEO










