![]()
Vadodara News: સંસ્કારનગરી વડોદરામાં હાલ ઠેર-ઠેર વિવિધ કામો અર્થે રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ કામ પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા આડેધડ પુરાણ કરવામાં આવતા અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે. હાલમાં ભાયલી વિસ્તારમાં પડેલા એક વિશાળ અને ઊંડા ભુવામાં બાઈક ચાલક સહિત બે યુવાનો ખાબકતા બંનેને ઇજાઓ પહોંચી હતી.
‘સંસ્કારનગરી’ હવે ‘ભુવાનગરી’!
ઉલ્લેખનીય છે કે, ‘સંસ્કારનગરી’ તરીકે ઓળખાતું વડોદરા હવે રસ્તાઓની ખરાબ હાલતને કારણે ‘ભુવાનગરી’ તરીકે કુખ્યાત થઈ રહ્યું છે. અગાઉ માત્ર ચોમાસામાં જ ભુવા પડતા હતા, પરંતુ હવે કોઈપણ ઋતુમાં રસ્તાઓ બેસી જવાની ઘટનાઓ સામાન્ય બની છે.
દોરડાની મદદથી બંને યુવકોને બહાર કઢાયા
રાત્રે ભાયલી વિસ્તારમાંથી એક વકીલ તેમના મિત્ર સાથે બાઈક પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે વળાંક લેતી વખતે અચાનક સમતળ રસ્તા પર પડેલા ઊંડા ભુવામાં તેમની બાઈક ખાબકી હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને દોરડાની મદદથી બંને યુવકોને હેમખેમ બહાર કાઢ્યા હતા.
તંત્ર સામે રોષ અને કાયદેસરની કાર્યવાહી
આ ઘટના અંગે ભોગ બનનાર વકીલે જણાવ્યું હતું કે, ‘આ પાલિકા તંત્રની ઘોર નિષ્કાળજી છે. કોન્ટ્રાક્ટરની કામગીરી પર પાલિકાનું કોઈ નિરીક્ષણ ન હોવાથી આવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અમને બંનેને શરીરે મૂઢ માર વાગ્યો છે અને બાઈકને ભારે નુકસાન થયું છે.’
આ પણ વાંચો: જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરાર
સારવાર લીધા બાદ, વકીલે આ મામલે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. સાથે જ, ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે મ્યુનિસિપલ કમિશનરને પણ ઉગ્ર રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે.










