![]()
વડોદરા,ખાનગી ન્યૂઝ ચેનલના રિપોર્ટરે કોર્ટમાં કરેલીફરિયાદની અદાવત રાખીને અન્ય ન્યૂઝ ચેનલના સી.એમ.ડી. દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપી ખંડણીની માંગણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ખાનગી ન્યૂઝ ચેનલના સી.એમ.ડી. વિરૃદ્ધ પાંચમી ફરિયાદ દાખલ થઇ છે.
બિલ કલાલી કેનાલ રોડ પર પ્રથમ રિવેરા ફ્લોરેન્સમાં રહેતા જતીન મહેશભાઇ નાથાણી ખાનગી ન્યૂઝ ચેનલમાં રિપોર્ટર છે. અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,કલાલી વિસ્તારમાં આવેલા સી.એમ.પટેલ ફાર્મની સામે આવેલ વિસેન્ઝા હાઇડેક નામની સાઇટના બિલ્ડર તેમજ ત્યાંના અમુક રહીશો દ્વારા નર્મદા નિગમની સરકારી જગ્યા પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો છે.જે અંગે કોર્ટમાં ફરિયાદ દાખલ થઇ છે. આ ફરિયાદ મેં ગિરીશ નાનજીભાઇ સોલંકી, તેના ભાઇ તથા અન્ય પાંચ વ્યક્તિઓ વિરૃદ્ધ આપી છે. જે હાલ કોર્ટમાં પેન્ડિંગ છે.
ગત ૧૫ મી ઓક્ટોબરે સવારે ગિરીશ સોલંકી તેની કાળા કલરની નંબર પ્લેટ વગરની કાર લઇને આવ્યો હતો. મને જોઇને તેણે કાર ઉભી રાખી ઉશ્કેરાઇને મને કહ્યું કે, હું પણ ન્યૂઝનું કામ કરૃં છું. તે કરેલી ફરિયાદમાં કશું થવાનું નથી. ફરિયાદ પરત ખેંચી લે. તું ફરિયાદ પરત નહીં ખેંચે તો હું સુપ્રીમ કોર્ટ સુધી જઇશ, તેનો તમામ ખર્ચ તારી પાસેથી વસૂલ કરીશ. મારા અને મારા ભાઇનો હિસાબ કરી પ૦ – ૫૦ લાખ તૈયાર રાખજે. જો તું પૈસા નહીં આપે તો તને અને તારા પરિવારને જોઇ લઇશ. હું કોઇ પોલીસ, ડોક્ટરો, મેડિકલ સ્ટોરવાળા, સ્કૂલ સંચાલકો, બિલ્ડરો અને કોઇ સરકારી અધિકારીઓને મૂકતો નથી. તું તો જઇશ, તારા ઘરવાળા પણ ક્યાં ખોવાઇ જશે. તેની ખબર નહીં પડે.










