![]()
લીંબાસી- તારાપુર રોડ પર એસીબીએ છટકું ગોઠવ્યું
રોડ અકસ્માતમાં પરપ્રાંતીય વ્યક્તિનું અવસાન થતાં જાહેરનામા ભંગનો ગુનો દાખલ ન કરવા લાંચ માંગી હતી
નડિયાદ: ખેડા જિલ્લામાં એસીબીએ એક ટ્રેપ ગોઠવીને લીંબાસી પોલીસ સ્ટેશનના અન આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ પંકજકુમાર તખતસંગ મેરને ૪૦,૦૦૦ની લાંચ લેતા ઝડપી પાડયા છે. લાંચની રકમ એક કંપનીના મજૂરકામ કરતા પરપ્રાંતિય વ્યક્તિનું રોડ અકસ્માતમાં અવસાન થતાં જાહેરનામા ભંગનો ગુનો દાખલ ન કરવાના બદલામાં માંગવામાં આવી હતી. એસીબીએ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદ કરનારની કંપનીમાં કામ કરતા એક પરપ્રાંતિય વ્યક્તિનું રોડ અકસ્માતમાં અવસાન થયું હતું. આ મામલે તપાસ કરવા માટે લીંબાસી પોલીસ સ્ટેશનના પી.આઈ. પરપ્રાંતિયોની તપાસ માટે કંપનીમાં ગયા હતા. ત્યાં હાજર પરપ્રાંતિય વ્યક્તિઓને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ત્યારે ફરિયાદ કરનાર ત્યાં હાજર ન હોવાથી તેને ફોન કરીને તાત્કાલિક પોલીસ સ્ટેશન આવવા જણાવવામાં આવ્યું હતું. ફરિયાદ કરનાર પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે, આરોપી પોલીસ કોન્સ્ટેબલ પંકજકુમાર મેરે તેમને જણાવ્યું કે, જાહેરનામા ભંગનો ગુનો દાખલ ન કરવા માટે સાહેબે ૬૦,૦૦૦નો વહીવટ કરવાનું કહ્યું છે. લાંબી રકઝક બાદ આખરે ૪૦,૦૦૦ની લાંચની રકમ આપવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી ખેડા એસીબીનો સંપર્ક કરતા આજે લીંબાસી-તારાપુર જાહેર રોડ પર છટકું ગોઠવ્યું હતું. છટકામાં આરોપી પંકજકુમાર મેરે હેતુલક્ષી વાતચીત કરીને ૪૦,૦૦૦ની લાંચ સ્વીકારી અને તે રકમ એસીબીએ રીકવર કરી લઈ આરોપીની ધરપકડ કરી હતી. આ ઘટનાથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
– કોન્સ્ટેબલે જણાવેલા સાહેબ કોણ? સહિતના સવાલો વણ ઉકલ્યા
આ સમગ્ર ટ્રેપમાં સાહેબ કોણ છે? તે લીંબાસી પોલીસ સ્ટેશનના પીઆઈ જે.વી. વાઢીયા છે કે કેમ? શું આ લાંચની રકમ સીધી તેમના સુધી પહોંચવાની હતી? અને કોન્સ્ટેબલ એક મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યો હતો? આ પ્રશ્નોના જવાબ વણ ઉકલ્યા છે. ખાસ કરીને એસીબીની ટ્રેપમાં અન્ય કોઈ અધિકારીના વતી લાંચ માંગવામાં આવે, તેવા કેસમાં પકડાયેલા આરોપીની સાથે જે-તે અધિકારીને પણ આરોપી બનાવવામાં આવે છે, ત્યારે આ પ્રકરણમાં સાહેબ માત્ર દર્શાવી કોઈ ઉચ્ચ અધિકારીને બચાવવાના પ્રયાસ ચાલે છે કે કેમ? તે અંગે અનેક પ્રશ્નો ઉઠયા છે.










