![]()
વિકાસની ગુલબાંગો વચ્ચે 2 વર્ષથી હાલાકી ભોગવતા ધરતીપુત્રો : પાદરડી નજીક ઓઝત નદી પરનો પુલ તૂટી ગયા બાદ કોઈ નેતા કે અધિકારી ફરક્યા નથી : અગાઉ એક વૃધ્ધનું તો પડી જવાથી મોત થયું હતું
જૂનાગઢ, : પાદરડી ઘેડ નજીક આવેલી ઓઝત નદી પરનો પુલ 2 વર્ષ પહેલા તૂટી ગયો હતો ત્યાં હજુ સુધી કોઈ ફરક્યું નથી. આ વિસ્તારમાં ખેતરો ધરાવતા ખેડૂતોએ બંને કાંઠે વૃક્ષ સાથે વાયર બાંધી ટાયર પર બેસી જીવના જોખમે નદી ઓળંગવી પડી રહી છે. અગાઉ આવી રીતે પુલ ઓળંગતી વખતે એક વૃધ્ધનું પડી જવાથી મોત થયું હતું. ગુજરાતમાં વિકાસ વિકાસની ગુલબાંગો ફેંકવામાં આવે છે અને ગુજરાત મોડેલની વાતો થાય છે પરંતુ ખેડૂતો બે વર્ષથી જીવના જોખમે નદી ઓળંગી રહ્યા છે તેની કોઈ નેતા કે અધિકારીને જાણે કે દરકાર જ નથી!
ઘેડ બચાવ પદયાત્રા આજે પાદરડી ઘેડ ગામે પહોંચી ત્યારે ગ્રામજનોએ કહ્યું કે 2 વર્ષથી ઓઝત નદી પરનો પુલ તૂટી ગયો છે, અનેક રજુઆત કરી છતાં કોઈ તંત્રના અધિકારી કે નેતા ફરકયા નથી. નદીના સામાં કાંઠે ખેતર ધરાવતા ખેડૂતોએ નદીના કાંઠા પર વૃક્ષ સાથે વાયર બાંધ્યા છે અને તેમાં ટાયર બાંધી તેના પર બેસી જીવના જોખમે નદી ઓળંગવી પડી રહી છે. સ્થાનિક ખેડૂતોએ એમ પણ જણાવ્યું હતું કે, થોડા સમય પૂર્વે એક વૃધ્ધ ખેડૂત ટાયરમાં બેસી નદી ઓળંગી રહ્યા હતા ત્યારે તેનો પગ ફસાઈ જતા તેનું પડી જવાથી મોત થયું હતું.
આ અંગેની વાત સાંભળી આગેવાનો ત્યાં પહોંચ્યા હતા અને ખેડૂતોએ ખેતરે જવામાં પણ જોખમ લેવું પડતું હોવાની સમસ્યા નજર સમક્ષ નિહાળી હતી. આ અંગે જણાવ્યું હતું કે જો આ જોખમ લઈને નદી ન ઓળંગે તો ખેડૂતોએ ઓસા ઘેડ ગામે ફરી ફરીને જવું પડે છે. 2 વર્ષથી હેરાન થઈ જીવના જોખમે આ નદી ઓળંગવાની મજબુરી હોવા છતાં તંત્ર અને નેતાઓ વિકાસ વિકાસ અને ગુજરાત મોડેલની ગુલબાંગો ફેંકી રહ્યા છે. આઝાદીના વર્ષો બાદ પણ કહેવાતા વિકસિત ગુજરાતની આ હાલત જોઈ સરકાર અને તંત્રના દાવાઓ સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે.










