![]()
નવા વર્ષના બજેટમાં એઆઇ ટેકનોલોજી ઉપર ભાર મુકાયો ઃ સ્થાયી
સમિતિએ ૧૫.૨૭ કરોડ રૃપિયાનો વધારો કર્યો
૨૨ કરોડ રૃપિયાના વધારા સાથે પુરાંત ૧૭૨.૭૪ કરોડ માર્ગોના નવીનીકરણ, આરોગ્ય અને આવાસ યોજનાઓની લહાણી કરાઇ
ગાંધીનગર : ગાંધીનગર કોર્પોરેશનના નવા વર્ષના બજેટમાં આ વખતે એઆઈ
ટેકનોલોજી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને તેના આધારે જ પ્રજાના પ્રશ્નોના નિકાલની
સાથે કોર્પોેરેશન વિસ્તારમાં થઈ રહેલા કામો ઉપર નજર રાખવામાં આવશે. સ્થાયી સમિતિ
દ્વારા ડ્રાફ્ટ બજેટને સુધારા સાથે મંજૂર કરવામાં આવ્યું છે. તેમાં આઈટી પ્રોજેક્ટ
ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. બજેટનું કદ વધીને હવે ૧,૯૧૮.૩૫ કરોડ
રૃપિયા થઈ ગયું છે. જેને હવે આગામી ગુરુવારે મળનારી સામાન્ય સભામાં મંજૂર કરવામાં
આવશે.
ગાંધીનગર મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૬-૨૭નું ૧૯૦૩.૦૮ કરોડ
રૃપિયાનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યા બાદ સ્થાયી
સમિતિ દ્વારા તેનો સંપૂર્ણ અભ્યાસ કરીને આજે ૧૫.૨૭ કરોડ રૃપિયાના વધારા સાથે ૧,૯૧૮.૩૫ કરોડ
રૃપિયાનું ડ્રાફ્ટ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં ૨૨ કરોડ રૃપિયાના વધારા
સાથે ૧૭૨.૭૪ કરોડ રૃપિયાની પુરાત રાખવામાં આવી હતી. ગાંધીનગર શહેરના નવા અને જૂના
વિસ્તારમાં માર્ગોના નવીનીકરણ,
આરોગ્ય અને ૩,૫૦૦
જેટલા નવા આવાસ યોજનાઓની જાહેરાત પણ આ બજેટમાં કરવામાં આવી હતી. ખાસ કરીને આ
બજેટની અંદર એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવા પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો
છે. જેમાં કોર્પોરેશનના અધિકારી,
કર્મચારીઓ ઉપર નજર રાખવાની સાથે પ્રજાના પ્રશ્નોનો પણ ઝડપથી નિકાલ કરાશે.
એટલું જ નહીં આરોગ્ય લક્ષી નવી જાહેરાત પણ કરવામાં આવી છે. જ્યારે માર્ગોના
નવીનીકરણ અને બ્યુટીફિકેશનના પ્રોજેક્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગરની
અંદર નવા ૧૪ જેટલા તળાવોના ડેવલોપમેન્ટનું આયોજન પણ કરવાનું નક્કી કરવામાં આવ્યું
છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ દ્વારા જણાવ્યું હતું કે, ડ્રાફ્ટ બજેટમાં
કુલ ૧૫.૨૭ કરોડ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો છે તેની સાથે હેડના ખર્ચમાં વધઘટ
કરીને ૧૦૦ કરોડ રૃપિયાના નવા વિકાસ કામો પણ હાથ ધરવામાં આવ્યા છે. નવા વર્ષના
બજેટમાં પ્રજાના આરોગ્યની સાથે સુખાકારી માટે બગીચા તળાવ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના
નવા પ્રોજેક્ટ લાવવામાં આવ્યા છે. એટલું જ નહીં કોમનવેલ્થ ગેમ્સની યજમાનીને ધ્યાને
રાખી રાયસણ,કોલવડા, વાવોલ જેવા
વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવાનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ગાંધીનગરના મીના બજારનું પણ ડેવલપમેન્ટ કરવામાં આવશે જે ગાંધીનગરની આગવી ઓળખ ઊભી
કરશે.










