Gujarat Museums: ગુજરાતમાં બદલાતા સમયની સાથે મ્યુઝિયમ્સ (સંગ્રહાલયો)નું સ્વરૂપ પણ સંપૂર્ણપણે હાઈટેક થઈ ગયું છે. ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ હેઠળના પુરાતત્વ અને સંગ્રહાલય નિયામકના દાવા અનુસાર, છેલ્લા 2 વર્ષમાં 16 લાખથી વધુ નાગરિકોએ રાજ્યના વિવિધ મ્યુઝિયમ્સની મુલાકાત લીધી છે. ડિજિટલ ટેક્નોલોજીના સમન્વયથી હવે મ્યુઝિયમ્સ માત્ર કલાકૃતિઓના સંગ્રહસ્થાન ન રહેતા, જ્ઞાન અને સંસ્કૃતિના જીવંત કેન્દ્રો બન્યા છે. ભૂતકાળમાં મ્યુઝિયમ એટલે માત્ર કાચની પેટીઓમાં રાખેલી જૂની મૂર્તિઓ કે સિક્કાઓ જોવાનું સ્થળ ગણાતું હતું. પરંતુ આજે રાજ્યના સંગ્રહાલયોમાં યુવા પેઢી પોતાની વિરાસતને માત્ર જુએ નહીં પણ જીવંત અનુભવી શકે તે માટે AR/VR (ઓગમેન્ટેડ અને વર્ચ્યુઅલ રિયાલિટી), 3D પ્રોજેક્શન મેપિંગ, હોલોગ્રામ અને ઇન્ટરેક્ટિવ ટચસ્ક્રીન જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે.
ગુજરાતના આ 4 હાઈટેક મ્યુઝિયમ્સ જે વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બન્યા
છેલ્લા 12 વર્ષમાં ગુજરાતમાં વૈશ્વિક કક્ષાના અનેક મ્યુઝિયમ્સ આકાર પામ્યા છે, જેની અનેક ખાસિયતો છે.
1. સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને મ્યુઝિયમ (ભુજ)
ખાસિયત: ભુજના ભુજિયા ડુંગર પર બનેલું આ સ્મારક 2001 ના ભૂકંપના દિવંગતોની સ્મૃતિમાં સમર્પિત છે.
ટેક્નોલોજી: આ ભારતનું સૌથી અદ્યતન મ્યુઝિયમ છે, જ્યાં સ્પેશિયલ સિમ્યુલેટર થિયેટર દ્વારા મુલાકાતીઓ ભૂકંપનો વાસ્તવિક ધ્રુજારીભર્યો અનુભવ કરી શકે છે. ભૂકંપ બાદ ગુજરાત કેવી રીતે બેઠું થયું તેની પ્રેરણાદાયી ગાથા પ્રવાસીઓની આંખો ભીની કરી દે છે.

2. દાંડી કુટીર (ગાંધીનગર): બાપુના વિચારોની ડિજિટલ સફર
ખાસિયત: વર્ષ 2015 માં બનેલું આ મ્યુઝિયમ 41 મીટર ઊંચો શંકુ આકાર ધરાવે છે, જે મહાત્મા ગાંધીના 1930 ના મીઠાના સત્યાગ્રહ (મીઠાના ઢગલા)નું પ્રતિક છે.
ટેક્નોલોજી: અહીં લાઇટ, સાઉન્ડ, એનિમેશન અને મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન દ્વારા આઝાદીની લડત અને ગાંધીજીના વિચારોને જીવંત કરાયા છે.
3. વડનગર આર્કિયોલોજિકલ મ્યુઝિયમ: 2500 વર્ષ જૂનો ઈતિહાસ
ખાસિયત: વર્ષ 2025 માં શરૂ થયેલું આ મ્યુઝિયમ ભારતનું પ્રથમ એવું મ્યુઝિયમ છે જે મુલાકાતીઓ લોકેશન પર જઈને લાઈવ ઉત્ખનન સ્થળનો અનુભવ કરાવે છે.
ટેક્નોલોજી: ઈમર્સિવ ટેક્નોલોજી, 3D ડિસ્પ્લે અને ડાયોરામાની મદદથી પ્રવાસીઓ વડનગરના 2500 વર્ષ જૂના 7 સાંસ્કૃતિક તબક્કાઓનો કાલક્રમિક વિકાસ સરળતાથી સમજી શકે છે.
4. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મ્યુઝિયમ (કેવડિયા)
ખાસિયત: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની સાથે અહીં આવેલું અત્યાધુનિક મ્યુઝિયમ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને ભારતના દેશી રાજ્યોના વિલીનીકરણના ભવ્ય ઈતિહાસને ડિજિટલ માધ્યમથી રજૂ કરે છે.

ભવિષ્યનું નજરાણું: લોથલમાં બની રહ્યું છે વિશ્વનું સૌથી મોટું મેરિટાઇમ મ્યુઝિયમ-
સિંધુ ખીણની સભ્યતાના પ્રાચીન બંદર શહેર લોથલ ખાતે અત્યારે ‘નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’નું કામ વેગવંતું બન્યું છે.આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં તે વિશ્વનું સૌથી મોટું મેરિટાઇમ (સમુદ્રી) મ્યુઝિયમ બનશે.અહીં પરંપરાગત પ્રદર્શનને બદલે અદ્યતન ડિજિટલ ગેલેરીઓ અને વર્ચ્યુઅલ પ્રેઝન્ટેશન દ્વારા ભારતના હજારો વર્ષ જૂના સમુદ્રી વેપાર, નૌકાયન કૌશલ્ય અને વૈશ્વિક સંબંધોની સફર પ્રવાસીઓને લાઈવ કરાવવામાં આવશે.
બદલાતા ગુજરાતની આ બદલાતી તસવીર છે. ટેક્નોલોજીના કારણે આજની નવી પેઢી સોશિયલ મીડિયાના યુગમાં પણ પોતાના ભવ્ય ઈતિહાસ અને સંસ્કૃતિ તરફ આકર્ષાઈ રહી છે, જેનું ઉત્તમ ઉદાહરણ મ્યુઝિયમ્સમાં વધી રહેલી પ્રવાસીઓની આ જંગી સંખ્યા છે.










