![]()
Bayad Land Scam: ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને જમીન કૌભાંડની તમામ હદો વટાવી દેતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડમાંથી સામે આવ્યો છે. વાસણીરેલ ગામમાં એક એવો સરકારી ‘ચમત્કાર’ થયો છે, જેમાં આજથી 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતને કાગળ પર જીવતો કરી, તેના નામે કરોડો રૂપિયાની જમીનનો પાવર ઓફ એટર્ની કરી દેવામાં આવ્યો છે. આ જમીન કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વેચી
મળતી માહિતી અનુસાર, વાસણીરેલના મૂળ ખાતેદાર છગનભાઈ જીવણભાઈ પટેલનું 14 જાન્યુઆરી 1972ના રોજ અવસાન થયું હતું અને કપડવંજ નગરપાલિકામાં નોંધણી પણ છે. પરંતુ ભૂમાફિયાઓએ સરકારી બાબુઓની સાંઠગાંઠથી 8 એપ્રિલ 2025ના રોજ બાયડની સબ-રજિસ્ટ્રાર કચેરીમાં છગનભાઈના નામે એક નકલી વ્યક્તિ (જેનું મૂળ નામ ઠાકોર મહોતજી છે)ને ઊભો કરી, કરોડોની જમીન અમદાવાદના દિનેશભાઈ પટેલને વેચી મારી હતી.
આ કૌભાંડમાં ઉંમરનો વિરોધાભાસ છે. જેમાં આધારકાર્ડમાં જન્મતારીખ 1971 છે, જ્યારે સરકારી રેકોર્ડ મુજબ આ જમીન 1950થી છગનભાઈના નામે છે. એટલે કે નકલી માલિક પોતાના જન્મના 21 વર્ષ પહેલાંથી જમીન ધરાવતો હતો! વધુમાં મૂળ માલિકના હયાત પ્રપૌત્રની ઉંમર 62 વર્ષ છે, જ્યારે જમીન વેચનાર માત્ર 54 વર્ષના છે.
કૌભાંડની SIT તપાસની માગ
આ ડીલમાં અપાયેલા 20.60 લાખના બેરર ચેક કયા ખાતામાં વટાવવામાં આવ્યા, તે મની લોન્ડરિંગનો વિષય છે. આ સંગઠિત ગુના અંગે માગ ઊઠી છે કે, નકલી ખેડૂત, ખરીદનાર અને સાક્ષીઓ સામે ફોર્જરીની FIR દાખલ થવી જોઈએ. તેમજ બેદરકારી દાખવનાર સબ-રજિસ્ટ્રાર સામે કડક પગલાં લઈને આ કૌભાંડની SIT તપાસ કરાવવામાં આવે, કારણ કે આ પંથકમાં આવા અન્ય 30 જેટલા બોગસ દસ્તાવેજો થયાની આશંકા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જમીન માફિયાઓની હિંમત અને સરકારી બાબુઓની બેદરકારીનો આ કોઈ પહેલો દાખલો નથી. અગાઉ વર્ષ 2013માં પણ આવો જ એક ઐતિહાસિક અને આઘાતજનક કિસ્સો નડિયાદમાં પ્રકાશમાં આવ્યો હતો. તે સમયે ભૂમાફિયાઓએ હદ વટાવતા, કાગળ પર દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને જ ખેડૂત તરીકે ઊભા કરી દીધા હતા! એક અજાણ્યા શખસે ખુદ સરદાર વલ્લભભાઈ પટેલના નામે સહીઓ કરીને જમીનનો દસ્તાવેજ કરી નાખ્યો હતો અને તે સમયે પણ રજિસ્ટ્રાર કચેરીની સિસ્ટમ આ ષડયંત્ર પકડી શકી ન હતી.







