![]()
હાલોલ તા.૧૧ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલ ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં ગઇકાલે ઝેરી ગેસ લીકેજના બનાવમાં ઘોઘંબા પોલીસ તેમજ ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છતાં હજી પણ ગેસ લીકેજનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
ગુજરાત ફ્લોરો કંપનીમાં ગેસ ગળતરના બનાવમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતું અને ૧૧ વ્યક્તિઓને ગેસની અસર થઇ હતી. બનાવ કેમ બન્યો તેના ચોક્કસ કારણો જાણવા ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા તેઓની ટીમ સાથે કંપનીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તબક્કે પાઇપલાઇનમાં લીકેજ બેલોઝ જે પાઇપલાઇનનો એક ભાગ છે ત્યા લીકેજ થયું હોવાનું પ્રાથમિક તબક્કે જણાય છે. આ અંગે થર્ડ પાર્ટી એનાલિસિસ કરાવવામાં આવશે ત્યારબાદ કોઈ ચોક્કસ કારણ જાણવા મળશે તેમ ફેક્ટરી ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું.
ગેસ લીકેજની ઘટના બાદ પ્લાન્ટ આવશ્યક જરૃરિયાતો સિવાય સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. પ્લાન્ટમાં ઉત્પાદન પ્રક્રિયા બંધ છે. પોલીસ દ્વારા જે પ્લાન્ટમાં લીકેજની ઘટના બની હતી તે પ્લાન્ટના અન્ય કામદારોના નિવેદનો લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગેસ લીકેજમાં અસર પામેલા ૧૧ કામદારો વડોદરા ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તે પૈકી ૬ કામદારો વેન્ટિલેટર પર હોવાનું જાણવા મળે છે.










