Grant in Aid Schools: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી અંગે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ હવે ગ્રાન્ટ અને લઘુમતી શાળા સહિત ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં વિદ્યાર્થીઓની ઓછી હાજરી હશે તો ગ્રાન્ટ કાપી લેવાશે. ગ્રામ્યમાં 55 ટકા તો શહેરી વિસ્તારમાં 80 ટકા વિધાર્થીઓની હાજરી શાળામાં ફરજિયાત કરી દેવામાં આવી છે. જો નવા ઠરાવ મુજબ હાજરી નહીં હોય તો સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટમાં કાપ મૂકવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રામ્યમાં 40 ટકાથી ઓછી અને શહેરમાં 60 ટકાથી ઓછી હાજરી હશે તો શાળાની 100 ટકા ગ્રાન્ટ કપાશે.
કેમ ગ્રાન્ટ કાપનો નિર્ણય લેવામાં આવ્યો?
શિક્ષણ વિભાગે ઠરાવ જાહેર કરતાં જણાવ્યું છે કે શાળાનું શૈક્ષણિક કાર્ય નિયમિત અને અસરકારક રીતે થાય તથા શિક્ષણનું સ્તર ઊંચું આવે તે હેતુથી હાજરી બાબતે શાળાના સંચાલકો અને શિક્ષકો સતત પ્રત્યનશીલ રહે તે કારણે ગ્રાન્ટ કાપનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રાન્ટ અને લઘુમતી શાળા સહિત ગ્રાન્ટ ઇન એઇડ શાળા નવા ઠરાવ મુજબ જો ગ્રામ્યમાં 40 ટકાથી ઓછી હાજરી હશે તો 100 ટકા ગ્રાન્ટ કપાશે તેમજ શહેરોમાં 60 ટકાથી ઓછી હાજરીમાં 100 ટકા ગ્રાન્ટ કાપી નાખવામાં આવશે.
શહેરી વિસ્તારની શાળામાં હાજરી મુજબ કેટલી ગ્રાન્ટ?
શહેરી વિસ્તારની શાળાઓમાં જયારે સરાસરી હાજરી તમામ વર્ગોમાં વિદ્યાર્થી પ્રવેશ સામે 80 ટકા હોય તો કોઈ ગ્રાન્ટકાપ આપવાનો રહેતો નથી પરંતુ જે કિસ્સામાં 75થી 97 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 75 ટકા સામે દર્શાવેલ 25 ટકા ગ્રાન્ટકાપ, જે કિસ્સામાં 70થી 74 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 70 ટકા સામે દર્શાવેલ 50 ટકા ગ્રાન્ટકાપ, જે કિસ્સામાં 65થી 69 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 65 ટકા સામે દર્શાવેલ 75 ટકા ગ્રાન્ટકાપ અને જ્યાં 60થી 64 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 60 ટકા સામે દર્શાવેલ 80 ટકા ગ્રાન્ટકાપ રહેશે. અને 60 ટકાથી નીચે ટકાવારી હોય ત્યારે 100 ટકા ગ્રાન્ટકાપ આપવાનો રહેશે.



ગ્રામ્ય વિસ્તારની શાળામાં હાજરી મુજબ કેટલી ગ્રાન્ટ?
ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં જ્યારે સરાસરી હાજરી તમામ વર્ગોમાં વિદ્યાર્થી પ્રવેશ સામે 55 ટકા હોય તો કોઈ ગ્રાન્ટકાપ આપવાનો રહેતો નથી પરંતુ જે કિસ્સામાં 50થી 54 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 50 ટકા સામે દર્શાવેલ 25 ટકા ગ્રાન્ટ કાપ, જે કિસ્સામાં 45થી 49 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 45 ટકા સામે દર્શાવેલ 50 ટકા ગ્રાન્ટકાપ, જે કિસ્સામાં 40થી 44 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 40 ટકા સામે દર્શાવેલ 75 ટકા ગ્રાન્ટકાપ અને જ્યાં 40 ટકાથી નીચે ટકાવારી હોય ત્યારે 100 ટકા ગ્રાન્ટકાપ કરવાનો રહેશે.
આ પણ વાંચો: વર્ગ-3ની ભરતી પરીક્ષાની પદ્ધતિ બદલાઈ, ટેકનિકલ અને નોન-ટેકનિકલ પરીક્ષાના નવા ગુણભાર જાહેર
આ ઉપરાંત મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ 2.0 અંતર્ગત પસંદ થયેલી રાજ્યની ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને માળખાકીય સુવિધાઓ સંગીન બનાવવા રાજ્ય સરકાર સહાય આપશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંલગ્ન શિક્ષણ વિભાગ હેઠળની આવી ગ્રાન્ટ ઇન એઇડ સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓને સહાય 80:20ના પ્રમાણમાં ચૂકવવામાં આવશે.










