![]()
ગાંધીનગરમાં એન્ટી નાર્કોેટિક્સ ટાસ્ક ફોર્સ ત્રાટકી
એસ.ટી. બસમાં નશીલા પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ ઃ છ લાખનો મુદ્દામાલ જપ્ત ઃ મોકલનાર મંગાવનારની શોધખોળ
ગાંધીનગર : રાજ્યમાં નશીલા પદાર્થોેની હેરાફેરી વધી રહી છે ત્યારે
એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા ચિલોડા સર્કલ પાસે બાતમીના આધારે બસમાંથી
ઊતરેલા બે શખ્સોને ઝડપી લીધા હતા અને ૧૧ કિલો ૯૪૦ ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો જપ્ત
કરી લીધો હતો. છ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને જથ્થો મોકલનાર અને મંગાવનાર શખ્સોની
શોધખોળ શરૃ કરવામાં આવી છે.
ગુજરાતમાં નશીલા પદાર્થોેની હેરાફેરી રોકવા માટે એન્ટી
નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ કાર્યરત કરી દેવામાં આવી છે ત્યારે આ ટીમને બાતમી મળી હતી
કે હિંમતનગર-સુરત રૃટની એસ.ટી. બસમાં બે શખ્સો નશીલા પદાર્થ સાથે મુસાફરી કરી
રહ્યા છે અને તેઓ ચિલોડા સર્કલ પાસે ઉતરવાના છે. આ બાતમીના આધારે પોલીસે ખાનગી
વાહનોમાં ચિલોડા સર્કલ પાસે જાળ બિછાવી હતી. સવારે આશરે જેવી બસ સર્કલ પાસે આવી
અને આ બંને શખ્સો થેલા સાથે નીચે ઉતર્યા,
કે તરત જ પોલીસે તેઓને કોર્ડન કરી લીધા હતા. બે શખ્સોને ૧૧ કિલો ૯૪૦ ગ્રામ
ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી લીધા છે. પકડાયેલા શખ્સો વિરાજ પરેશકુમાર સોલંકી
રહે. ડભોડા અને આદિત્ય મથુરભાઈ બારૈયા રહે. અમદાવાદ હોવાનું બહાર આવ્યું છે. પોલીસ
તપાસમાં બહાર આવ્યું છે કે આ ગુનાના તાર છેક હડાદ સુધી જોડાયેલા છે. પકડાયેલા
વિરાજ સોલંકીએ કબૂલાત કરી હતી કે તે આ ગાંજાનો જથ્થો હડાદ ગામના પાટીયા પાસેથી
નાગજીભાઈ ગલબાભાઈ બુબડીયા નામના શખ્સ પાસેથી લાવ્યો હતો. આ માટે તેણે નાગજીભાઈને
૫૦ હજાર રોકડા અને ૮૦ હજાર પેટીએમ દ્વારા ઓનલાઇન ચૂકવ્યા હતા. આ ગાંજાનો જથ્થો
ડભોડાના મિત પ્રજાપતિ નામના શખ્સને પહોંચાડવાનો હતો, જેણે આ કામ માટે વિરાજને દોઢ લાખ આપ્યા હતા. પોલીસે આરોપીઓ
પાસેથી ૫.૯૭ લાખની કિંમતનો ગાંજો,
બે મોબાઈલ ફોન મળી કુલ ૬.૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં પોલીસે
વિરાજ સોલંકી અને આદિત્ય બારૈયાની ધરપકડ કરી છે, જ્યારે ગાંજો મોકલનાર નાગજીભાઈ અને મંગાવનાર મિત પ્રજાપતિને
ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.










