
– અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે ચીનની ભારતને રાહત
– નિકાસ અવરોધો દૂર થતાં ભારતમાં ઓટોમોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓના ઉત્પાદનમાં તેજીની સંભાવના
નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બદલ ભારત પર ૫૦ ટકા ટેરિફ નાંખ્યો છે. ટ્રમ્પની આ મનમાની વિરુદ્ધ ભારત અને ચીન નજીક આવી રહ્યા છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી ભારતના બે દિવસના પ્રવાસે છે ત્યારે જ ભારતને રાહત આપતા ચીને રેર અર્થ, ખાતર અને ટનલ બોરિંગ મશીનોની ભારતમાં નિકાસ પરના નિંત્રણો હટાવી લીધા છે અને નિકાસ શરૂ કરી છે. વાંગ યીએ કહ્યું કે, ભારત અને ચીને એકબીજાને પ્રતિસ્પર્ધી નહીં પરંતુ ભાગીદાર તરીકે જોવા જોઈએ.










