![]()
જામનગર શહેરમાં સાધના કોલોની પાછળની નવી કોલોનીમાં પોતાના ઘર તરફ ગઈરાત્રે દસેક વાગ્યે પગપાળા જતા એક વૃદ્ધ દંપતી પાસે થી લુંટારૂઓ એ વૃદ્ધાના ગળામાંથી પોણા ત્રણેક તોલાના સોનાના ચેઈનની લૂંટ કરી હતી. અને બે આરોપીઓ રિક્ષામાં બેસીને નાસી છુટ્યા હતા.
જામનગરમાં નવી સાધના કોલોનીમાં રહેતા સમસુદ્દીનભાઈ અલીભાઈ પૂંજાણી અને તેમના પત્ની મણીબેન નામના વૃદ્ધ દંપતી પરમદીને સાંજે માંડવી ટાવર વિસ્તારમાં આવ્યા હતા. જ્યાંથી તેઓ પરત જવા માટે એક શટલ રિક્ષામાં બેઠા પછી ખંભાળિયા નાકા વિસ્તાર પાસે પહોંચેલી આ રિક્ષામાંથી તે દંપતીને રિક્ષાચાલકે ઉતરી જવા માટે કહી અન્ય રિક્ષામાં જતા રહેવાનું સૂચન કર્યું હતું તેથી વૃદ્ધ દંપતી ઉતર્યું હતું. તે વેળાએ રિક્ષામાં તેના ચાલક સહિત બે વ્યક્તિ હતા.
આ પછી બીજી રિક્ષામાં બેસી આ દંપતી સાધના કોલોની પાસે ઉતર્યા પછી પોતાના ઘર તરફ પગપાળા જતા હતા ત્યારે અચાનક એક શખ્સ દોડીને આવ્યો હતો અને તેણે વૃદ્ધાના ગળામાંથી પોણા ત્રણેક તોલાના સોનાના ચેઈનની લૂંટ કરી હતી અને અગાઉથી તૈયાર ઉભેલી ચાલુ રિક્ષામાં બેસી ગયો હતો અને રિક્ષા પુરપાટ ઝડપે નાસી ગઈ હતી. આ વૃદ્ધ દંપતીએ બૂમો પાડી હતી પરંતુ રિક્ષા નાસી છૂટી હતી. પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવતા સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશ નો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. દંપતીમાંથી વૃદ્ધે આ શખ્સ જે રિક્ષામાં તેઓ અગાઉ બેઠા હતા અને ખંભાળિયા નાકા પાસે ઉતર્યા હતા. તેમાં હતો તેવી શક્યતા વ્યકત કરી છે. પોલીસે ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી આરોપી ની શોધખોળ શરૂ કરી છે.અને રીક્ષા ચાલક અને તેના સાગરીતની શોધ ખોળ હાથ ધરી છે.










