![]()
Jamnagar Fire: જામનગરના પંચવટી સોસાયટી વિસ્તારમાં આવેલા જાસોલીયા એપાર્ટમેન્ટના બીજા માળે આજે (27મી એપ્રિલ) વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. આ આગમાં ફ્લેટમાં એકલા રહેતા 55 વર્ષીય પ્રૌઢ ગંભીર રીતે દાઝી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ફાયર બ્રિગેડની સતર્કતાને કારણે આગ અન્ય ફ્લેટમાં પ્રસરતા અટકી હતી, જેનાથી મોટી હોનારત ટળી હતી.
પ્રૌઢ ફ્લેટની બહાર નીકળી ન શક્યા
જામનગર ફાયર કંટ્રોલ રૂમને આજે સવારે પંચવટી સોસાયટી, ખેતલા આપા પાસે આવેલા જૂના જાસોલીયા એપાર્ટમેન્ટમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ત્યારે બીજા માળનો ફ્લેટ અંદરથી બંધ હતો. ફાયરના જવાનોએ દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અંદર પ્લાસ્ટિકનો સામાન, કપડાં અને અન્ય ઘરવખરી ધધકી રહી હતી.
ફ્લેટની અંદર તપાસ દરમિયાન ગોવર્ધનભાઈ નામના પ્રૌઢનો દાઝેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, આગ લાગ્યા બાદ ગોવર્ધનભાઈએ બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દરવાજો બંધ હોવાથી કે ધુમાડાના કારણે તેઓ સમયસર બહાર નીકળી શક્યા ન હતા. ફાયરની ટીમે મૃતદેહનો કબજો મેળવી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યો હતો અને સીટી બી. ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
આ વણ વાંચો: અમદાવાદ: શ્યામલ વિસ્તારના કોમ્પલેક્સમાં ભીષણ આગ, ATM સહિત દુકાનો-વાહનો બળીને ખાક
આગ લાગવાનું કારણ શું?
આગ લાગવાના ચોક્કસ કારણ અંગે હાલ તપાસ ચાલી રહી છે, પરંતુ પ્રાથમિક સ્તરે મૃતકને બીડી પીવાની આદત હોવાથી, બીડીનો તણખો સામાન પર પડતા આગ લાગી હોવાની પણ શક્યતા છે.
ફાયર બ્રિગેડના જવાનોએ પાણીના બે ટેન્કર દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો આગ સમયસર કાબૂમાં ન આવી હોત તો જી-2 માળના આ એપાર્ટમેન્ટમાં અન્ય ફ્લેટ પણ ઝપેટમાં આવી શક્યા હોત. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










