![]()
અમદાવાદ, શનિવાર,27 ડિસેમ્બર,2025
ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી જાહેરહીતની અરજી સંદર્ભમાં
છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી કોર્પોરેશનના શહેરના માત્ર સાત રોડ જ હોય એમ તેમ
આરસ્તાઓ ઉપરથી ટ્રાફિકની સમસ્યા ઉકેલવાના નામે દબાણો દુર કરી રહયા છે.આ બાબતને લઈ
ટી.પી.કમિટીની બેઠકમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.એક તબકકે કમિટીમાં એસ્ટેટના
અધિકારીઓને કહેવાયુ, તમે
કામગીરી કરો છો તેવુ બતાવવા માંગો છો તો શહેરના ૭૬ રોડ ઉપર દબાણના કારણે ટ્રાફિકની
સમસ્યા છે. તમામ રોડ ઉપરથી દબાણ દુર કરી ટ્રાફિકની સમસ્યા દુર કરવા ચોકકસ પોલીસી
બનાવો.
શહેરના મોટાભાગના મુખ્ય રસ્તાઓ તથા ફૂટપાથ ઉપરના દબાણના કારણે
ટ્રાફિકની સમસ્યા સતત વધતી જાય છે.બીજી તરફ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ જયારે જયારે
આ જાહેરહીતની અરજીની સુનવણી કોર્ટમાં હાથ ધરાવાની હોય એ પહેલા અચાનક એકશનમાં આવી
લારી,ગલ્લા
સહિતના દબાણો દુર કરવા ઝૂંબેશ શરૃ કરી દે છે. આ બાબતની ટી.પી.કમિટીમાં ટીકા પણ થઈ
હતી.એક સભ્યે એસ્ટેટના અધિકારીને ત્યાં સુધી કહયુ, હાઈકોર્ટ કહે પછી જ તમને શહેરના વિવિધ રસ્તાઓ ઉપર દબાણ વધી
ગયા હોવાનુ દેખાય છે. આ સમસ્યા તો ઘણાં વર્ષોથી શહેરીજનો સહન કરી રહયા છે.એકને ગોળ
અને બીજાને ખોળ એવી કામગીરી કરવાની ના હોય. તમારે શહેરના દબાણો દુર કરી ટ્રાફિકની
સમસ્યા હળવી જ કરવી તો તમામ ૪૮ વોર્ડ માટે તેનુ પ્લાનિંગ કરી કરવી જોઈએ.
શહેરના મધ્ય ઝોનમાં ટ્રાફિકની સૌથી વધુ સમસ્યા
સિવિલ હોસ્પિટલ રોડ,
ખાનપુર, નમસ્તે સર્કલથી
શાહીબાગ અંડરબ્રિજ, દિલ્હી દરવાજાથી
નમસ્તે સર્કલ,લાલદરવાજા,ખમાસાથી વિકટોરીયા
ગાર્ડન, રામેશ્વરથી
રત્ન સાગર રોડ, રીલીફ રોડ, ગાંધીરોડ,રાયપુર દરવાજા રોડ,પાંચકુવા,ગીતા મંદિર રોડ
અન્ય ઝોનના કેટલા રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા
ઝોન રોડની સંખ્યા
પૂર્વ ૨૨
ઉ.પ. ૦૬
દ.પ. ૦૨
ઉત્તર ૧૦
પશ્ચિમ ૦૬
દક્ષિણ ૧૫
શહેરના માત્ર નવ રસ્તા ઉપર જ દબાણ દુર કરાય છે
ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી જાહેર હીતની અરજીની સુનવણી
સંદર્ભમાં શહેરના નવ રસ્તા ઉપરના જ દબાણ
એસ્ટેટ વિભાગ દુર કરતુ હોવાનો ટી.પી.કમિટી બેઠકમા આક્ષેપ કરાયો હતો. એસ.જી.હાઈવે, જજીસ બંગલો રોડ, ઘાટલોડીયાથી
ગુજરાત હાઈકોર્ટ, સીજીરોડ,સીજીરોડથી
નારણપુરા ચાર રસ્તા, નારણપુરા
ચાર રસ્તાથી અંકુર અને અંકુરથી
શાસ્ત્રીનગર તથા વાડજ સર્કલથી દધીચી બ્રિજ અને દધીચી બ્રિજથી દિલ્હી દરવાજા રોડ
ઉપરથી એસ્ટેટ વિભાગ રોજ દબાણ હટાવવાની કામગીરી કરે છે.
લાચાર માણસની આજીવિકા ના છીનવાય એનુ ધ્યાન રાખવા સુચન
કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ તરફથી એક
મહિનાથી શહેરના વિવિધ રસ્તાઓ ઉપર બેસતા ફેરીયા,લારી અને ગલ્લાના દબાણ દુર કરાય છે.આ ઝૂંબેશમાં રોડ ઉપર નડતરરુપ ના હોય અને રોજ ૧૫૦૦થી ૨૦૦૦ની
ચીજ વસ્તુ વેચી પોતાના પરિવારનુ ગુજરાન ચલાવતા હોય એવા ફેરીયાઓના પણ માલસામાન જપ્ત
કરી લેવાતા કેટલાકે ચેરમેન પ્રિતિશ મહેતા સમક્ષ રજૂઆત કરી હતી. ચેરમેને અધિકારીઓને
કહયુ, અમે એમ
નથી કહેતા કે રોડ ઉપરના દબાણો દુર ના કરો.પરંતુ જે નડતરરુપ નથી.અંદરના એવા રસ્તા
ઉપર ચીજ વસ્તુ વેચી ગુજરાન ચલાવતા હોય તેવા લાચાર માણસની આજીવિકા ના છીનવતા.










