![]()
મુંબઈ : આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ને કારણે રોજગારો ગુમાઈ જશે તેવી ફેલાયેલી ચિંતાને ઈન્ફોસિસના સ્થાપક એન. આર. નારાયણ મૂર્તિએ દૂર કરતા જણાવ્યું હતું કે, ટેકનોલોજિકલ બદલાવથી રોજગારો ઘટવાને બદલે વધ્યા હોવાનું ભૂતકાળમાં જોવા મળ્યું છે.
ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ફરમેશન ટેકનોલોજી – બેંગ્લોર (આઈઆઈઆઈટી-બેંગ્લોર) ખાતે એક કાર્યક્રમમાં બોલતા તેમણે જણાવ્યું હતું કે ટેકનોલોજીને કારણે બૃહદ્દ સ્તરે રોજગાર ઘટતા નથી તે વાતથી પોતે સહમત છે. ઊલટાનું આનાથી કામકાજની પદ્ધતિમાં બદલાવ આવી રહ્યો છે અને નવી તકો ઊભી થઈ છે જે નવી ક્ષમતાઓ માટે માગ ઊભી કરે છે.
કોર બેન્કિંગ સોલ્યુશન્સના અમલને કારણે પ્રારંભમાં ચિંતા ઊભી થઈ હતી, પરંતુ યુકે અને બાદમાં ભારતમાં રોજગારમાં વૃદ્ધિ થઈ હતી. ટેકનોલોજીની ક્ષમતા વધતા અને સેવામાં વિસ્તરણને પરિણામે રોજગારમાં વૃદ્ધિ જોવા મળી હતી એમ અગાઉના અનુભવનો ઉલ્લેખ કરતા નારાયણ મૂર્તિએ હતું.
એઆઈ ટુલ્સને કારણે મોટાભાગના ઉદ્યોગોમાં ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો થશે. સાથોસાથ, પારંપારિક પ્લેટફોર્મ્સ અને હાલની મેન્ટેનેન્સ જરૃરિયાતો ટેકનોલોજી સેવા ક્ષેત્રમાં રોજગારને ટકાવી રાખશે.
સોફટવેર સેવાઓમાં વ્યવસાયીકોનું ધ્યાન તબક્કાવાર બદલાતું જશે.ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, ટેકનોલોજી આધારિત આરોગ્યસંભાળ સેવા તથા કૃષિમાં ઉત્પાદકતાના લાભોને આગામી દાયકામાં ભારતને આકાર આપનારા મુખ્ય પરિબળો તરીકે મૂર્તિએ ઓળખી કાઢયા છે.
વૈશ્વિક સ્તરે ટેકનોલોજી સ્ટોકસમાં હાલમાં જોવા મળેલી ભારે વોલેટિલિટી વચ્ચે નારાયણ મૂર્તિનો એઆઈ સંદર્ભમાં મત આવી પડયા છે.










