![]()
મુંબઈ : ઊંચા ટેરિફને કારણે માલસામાન મોંઘા થતા માગ પર પડેલી અસરથી અમેરિકામાં નવેમ્બરમાં ફેકટરી પ્રવૃત્તિ ધીમી પડી ચાર મહિનાની નીચી સપાટીએ રહી છે. આયાત પર ઊંચા ટેરિફને પરિણામે માલસામાનની માગ નબળી પડતા તેની અસર ઉત્પાદન પર પડી હોવાનું માનવામાં આવે છે.
અમેરિકામાં વર્તમાન મહિનાની ઉત્પાદન પ્રવૃત્તિ ઓકટોબરની સરખામણીએ સાધારણ નબળી પડી હોવાનું પ્રાથમિક અંદાજમાં સંકેતો મળી રહ્યા છે.
એસએન્ડપી ગ્લોબલના જણાવ્યા પ્રમાણે અમેરિકાનો ઉત્પાદન ક્ષેત્રનો નવેમ્બરનો પ્રારંભિક પીએમઆઈ નરમ પડી ૫૧.૯૦ રહ્યો છે જે ઓકટોબરમાં ૫૧.૯૦ હતો.
૫૦થી નીચેના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું સંકોચન કહેવાય છે. અમેરિકાના અર્થતંત્રમાં ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો ૧૦.૨૦ ટકા આસપાસ રહે છે.
નવા ઓર્ડર મળવાનું ઘટી ગયું છે એટલું જ નહીં ફિનિશ્ડ ગુડસનો સ્ટોક વધી રહ્યાનું એસએન્ડપી ગ્લોબલના સર્વેમાં ભાગ લેનારા ઉત્પાદકોએ જણાવ્યું હતું.
ઉત્પાદન ક્ષેત્રમાં મંદીની અસર અનેક સેવા ઉદ્યોગ પર જોવા મળવાની પણ રિપોર્ટમાં ચિંતા વ્યકત કરવામાં આવી છે. જો કે વર્તમાન મહિનાનો સેવા ક્ષેત્રનો પ્રારંભિક પીએમઆઈ ઓકટોબરના ૫૪.૮૦ની સરખામણીએ સાધારણ વધી ૫૫ રહેવા પામ્યો છે.
ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો મળી પ્રારંભિક સંયુકત પીએમઆઈ વધી ૫૪.૮૦ રહ્યો છે જે ઓકટોબરમાં ૫૪.૬૦ રહ્યો હતો.
અમેરિકામાં શટડાઉન સમાપ્ત થતા અને વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ આગામી એક વર્ષ માટેના વેપાર વિશ્વાસમાં વધારો થયો છે. સપ્ટેમ્બરમાં બેરોજગારીનો આંક ૪.૪૦ ટકા સાથે ચાર વર્ષની ઊંચી સપાટીએ રહ્યો હોવા છતા, લેબર માર્કેટ હજુ કથળી નહીં હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.










