![]()
જેતપુર-રાજકોટ હાઈ-વે પર નવાગઢ નજીક અકસ્માત
ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતાં લોક ખુલી જવાથી રસ્તા પર સરકી પડેલાં કન્ટેનર નીચે બાઈક ચાલક તથા રાહદારી દબાઈ ગયા
જેતપુર: જેતપુર-રાજકોટ નેશનલ હાઈ-વે પર નવાગઢ પાસે ભાદર નદીના પુલ નજીક સર્જાયેલા અકસ્માતમાં બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા લોક ખુલી જતા કન્ટેનર રસ્તા પર પલ્ટી ખાઈ જતા કન્ટેનર નીચે દબાઈ જવાથી એક રાહદારી અને એક બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. તહેવારના ટાણે જ બે પરિવારોના માળા પીંખાઈ જતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુર-રાજકોટ હાઈ-વે પરથી પસાર થઈ રહેલા મચ્છી ભરેલા એક હેવી લોડ કન્ટેનટરના ચાલકે અચાનક બ્રેક મારતાં કન્ટેનરનું લોક ખુલી ગયું હતું. જેના પરિણામે કન્ટેનર પાછળ આવી રહેલી બસ સાથે ધડાકાભેર અથડાયું હતું અને ત્યારબાદ રસ્તા પર પલ્ટી ખાઈ ગયું હતું. આ જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક બાઈક ચાલક અને એક રાહદારી આ મહાકાય કન્ટેનરની નીચે દબાઈ ગયા હતા. કન્ટેનરનું વજન એટલુ બધુ હતું કે બંને લોકો બૂરી રીતે કચડાઈ ગયા હતા. જેના કારણે ઘટનાસ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને જોનારાના રૂવાંડા ઊભા થઈ જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
આ ગોઝારા અકસ્માતમાં ભોગ બનનાર બંને મૃતકો પૈકી એક મૃતક ગોંડલના રહેવાસી કરણ દાણીધારીયા હતા. જેઓ પોતાના ભાણેજના હોળીના વાડના પ્રસંગમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. ત્યારે કાળનો કોળિયો બની ગયા હતા. જયારે બીજા મૃતક જેતપુર તાલુકાના સરધારપુર ગામના ૪પ વર્ષીય ભાભલુભાઈ વાસુરભાઈ લાલુ હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતને પગલે હાઈ-વે પર લોકોના ટોળેટોળાં ઉમટી પડયા હતા અને વાહનોની લાંબી કતારો લાગી જતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ જેતપુર ઉદ્યોગનગર પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તાત્કાલિક ક્રેન મંગાવીને ભારેખમ કન્ટેનર હટાવ્યું હતું અને બંને મૃતકોના છિન્નભિન્ન થઈ ગયેલા મૃતદેહોને એકઠા કરી પોસ્ટમોર્ટમ અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરાવી છે અને બેદરકારી દાખવનાર હેવી લોડ ટ્રકના ચાલકની અટકાયત કરી લીધી છે. સમગ્ર મામલે ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી તથા વધુ તપાસ હાથ ધરી છે.










