![]()
ક્રૂડતેલ ઉછળી ૧૦૦ ડોલર કૂદાવી જતાં તથા શેરબજાર તૂટતાં થયેલી અસર
(વાણિજ્ય પ્રતિનિધિ)
મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડાલરના ભાવમાં ઉછાળો આગળ વધતાં ડોલર સામે રૂપિયો ગબડી નવા નીચા તળિયે ઉતરી ગયો હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. મુંબઈ શેરબજારમાં મંદીનો કડાકો બોલાતાં તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં તીવ્ર ઉછાળો આવતાં ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા પર દબાણ વધ્યાના નિર્દેશો મળ્યા હતા.
ડોલરના ભાવ રૂ.૯૧.૭૬ વાળા આજે સવારે રૂ.૯૨ કુદાવી રૂ.૯૨.૨૦ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૯૨.૧૬ તથા ઉંચામાં ભાવ રૂ.૯૨.૩૫ની નવી ટોચ બતાવી રૂ.૯૨.૩૩ રહ્યા હતા. ડોલરના ભાવ આજે રૂપિયા સામે વદુ ૫૭ પૈસા વધતાં ડોલર સામે રૂપિયો વધુ ૦.૬૩ ટકા તૂટી ગયો હતો.
દરમિયાન, મુંબઈ શેરબજારનો ઈન્ડેક્સ આજે ૧૩૫૨થી ૧૩૫૩ પોઈન્ટ તૂટયો હતો. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળી બેરલના ૧૦૦ ડોલરની સપાટી કુદાવી ગયાના સમાચાર દરિયાપારથી મળતાં આજે અજંપો વ્યાપી ગયો હતો.
દરમિયાન, રૂપિયો ગબડતાં તથા ડોલર વધતાં દેશમાં આયાત થતી ક્રૂડતેલ સહિતની વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં હવે ફુગાવો તથા મોંઘવારી વધુ ઉંચે જવાની શક્યતા છે. વિશ્વ બજારમાં પણ ડોલરમાં તેજી આવી હતી. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે વધુ ૦.૪૮ ટકા વધી ઉંચામાં ૯૯.૬૯ થઈ ૯૯.૪૬ રહ્યો હતો. યુરો સામે ડોલર વધી યુરો સામે ડોલર વધી ૩ મહિનાની ટોચે પહોંચ્યો હતો.
દરમિયાન, રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે ૮૯ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૨૩.૨૦ થઈ રૂ.૧૨૩.૧૪ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૪૫ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૦૬.૭૨ થઈ રૂ.૧૦૬.૬૫ રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે ૦.૪૧ ટકા વધી હતી.
ભારતમાં ૧૯૬૦માં ડોલરના ભાવ રૂ.૪ હતા તે ત્યારબાદના ગાળામાં એકધારા ઉંચા જતા જોવા મળ્યા હતા. હવે ભાવ રૂ.૯૩ નજીક પહોંચી ગયા છે. દરમિયાન, રિઝર્વ બેન્કે વિવિધ બેન્કોને ફોરેન એક્સચેન્જ ડિલ્સની વિગતો તથા ઊભા સોદાની પોઝીશનની વિગતો રિઝર્વ બેન્કને રજૂ કરવા જણાવ્યાના સમાચાર હતા.










