![]()
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા
રાંધેજા, કોલવડા અને વાવોલમાં પણ નોટિસનો દોર શરૃ તંત્ર દ્વારા પેથાપુરમાં કામગીરી શરૃ કરવામાં આવી
ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની આસપાસના ગ્રામ્ય
રાંધેજા, કોલવડા, પેથાપુર અને
વાવોલ જેવા વિસ્તારોમાં તળાવના વિકાસ માટે અનામત રાખવામાં આવેલી જમીનો પર થયેલા
વર્ષો જૂના અનધિકૃત દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નોટિસ આપ્યા
બાદ આજે પેથાપુરમાં દબાણ હટાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવા ઉમેરાયેલા ગ્રામ્ય
વિસ્તારોમાં વર્ષો જૂના તળાવને ડેવલોપ કરવાનું આયોજન હાથ ધર્યું છે. જોકે
તબક્કાવાર ચાલી રહેલી આ પ્રક્રિયામાં ઘણી જગ્યાએ તળાવની આસપાસ દબાણ હોવાનું ધ્યાન
આવ્યું છે અને આ દબાણ ડેવલોપમેન્ટમાં નડતરું હોવાથી તેને હટાવવાની નક્કી કરવામાં
આવ્યું હતું. જેના ભાગરૃપે દબાણકારોને નોટિસ આપવામાં આવ્યા બાદ હવે દબાણ હટાવવાની
કામગીરી શરૃ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા પેથાપુર
વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. પેથાપુરના સર્વે નંબર ૨૭૫૮ પર તળાવના
વિકાસમાં અવરોધરૃપ બનતા તમામ અનધિકૃત બાંધકામો અને દબાણોને દૂર કરવામાં આવ્યા છે.
એસ્ટેટ વિભાગ દ્વારા રાંધેજા,
કોલવડા અને વાવોલ જેવા વિસ્તારોમાં પણ જે સર્વે નંબરો તળાવ માટે અનામત છે, ત્યાં દબાણ
કરનારા પક્ષોને કાયદેસરની નોટિસો ફટકારવામાં આવી છે. આ નોટિસો દ્વારા સંબંધિત
પક્ષોને નિયત સમયમર્યાદામાં જવાબ રજૂ કરવા અને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા
તાકીદ કરવામાં આવી છે. તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આગામી સમયમાં આ ઝુંબેશ
અન્ય વિસ્તારોમાં પણ સમાન ગતિએ ચાલુ રહેશે. જાહેર હિત માટે નિર્ધારિત જમીનનો યોગ્ય
ઉપયોગ થાય અને શહેરના આયોજનબદ્ધ માળખાને નુકસાન પહોંચાડતા કોઈપણ અનધિકૃત કૃત્ય
સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર, વધતા જતા
શહેરીકરણ વચ્ચે ભૂગર્ભ જળના સ્તરને જાળવી રાખવા તળાવોનો વિકાસ અત્યંત જરૃરી છે.










