![]()
Petrol-Diesel Price Hike: આગામી દિવસોમાં સામાન્ય જનતાના ખિસ્સા પર મોંઘવારીનો વધુ એક બોજ પડે તેવી શક્યતા સેવાઈ રહી છે. આ દરમિયાન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘જો મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેનો તણાવ લાંબો સમય ચાલ્યો, તો ભારતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવો પડી શકે છે. તેનું કારણ એ છે કે, ક્રૂડની વધતી કિંમતો મોંઘવારી, ક્રૂડની આયાત અને અર્થતંત્ર પર સતત દબાણ વધારી રહી છે. જો વર્તમાન વૈશ્વિક ઊર્જા સંકટ વધુ વણસશે, તો સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ અનિશ્ચિત સમય સુધી યથાવત્ રાખી શકશે નહીં.’
હોર્મુઝ સ્ટ્રેટ સંકટથી ભારતની ઊર્જા આયાત પર અસર
સ્વિટ્ઝર્લેન્ડમાં ‘સ્વિસ નેશનલ બેન્ક’ અને ‘ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ’ (IMF) દ્વારા આયોજિત એક કોન્ફરન્સમાં મલ્હોત્રાએ કહ્યું હતું કે, ‘જો પશ્ચિમ એશિયાનો તણાવ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો સરકાર વધતી કિંમતોનો અમુક ટકા બોજ ગ્રાહકો પર નાખી શકે છે.’ વિશ્વના ત્રીજા સૌથી મોટા ક્રૂડ આયાતકાર ભારત પર ‘હોર્મુઝ સ્ટ્રેટ’ની આસપાસના તણાવને કારણે ઊર્જા પુરવઠો ખોરવાયો છે. આ એક મહત્ત્વનો શિપિંગ રૂટ છે, જેમાં ખલેલ પડવાથી ભારતની સપ્લાય-ચેઈન પણ ખોરવાઈ છે, જે મોંઘવારી અને દેશના સતત વધી રહેલા ક્રૂડ ઈમ્પોર્ટ બિલની મુશ્કેલીઓને વિકરાળ બનાવી શકે છે.
ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ ભારત માટે ચિંતાનો વિષય છે કારણ કે દેશ તેની ક્રૂડની જરૂરિયાતોનો મોટો હિસ્સો આયાત કરે છે. વધતા ભાવથી પરિવહન અને ઉત્પાદન ખર્ચ વધે છે, જે રૂપિયા પર દબાણ લાવે છે અને મોંઘવારીને અસર કરે છે.
સરકાર અને ઓઈલ કંપનીઓ અત્યારે ખર્ચ સહન કરી રહી છે
હાલમાં, સરકાર અને સરકારી તેલ કંપનીઓ ક્રૂડ ઓઈલના વધતા ભાવનો મોટો હિસ્સો પોતે સહન કરી રહી છે. ઈંધણ પરની એક્સાઈઝ ડ્યુટીમાં પહેલાથી જ ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ વધતી ખોટ છતાં પેટ્રોલ અને ડીઝલ બજાર-લિંક્ડ કિંમતો કરતા ઓછી કિંમતે વેચવાનું ચાલુ રાખે છે. જોકે, કેટલીક ફ્યૂઅલ પેદાશોના ભાવમાં પહેલેથી જ વધારો થયો છે.
સરકારી ક્રૂડ કંપનીઓએ નીચેનાના ભાવ વધાર્યા છે. જેમ કે… કોમર્શિયલ LPG સિલિન્ડર, ઈન્ડસ્ટ્રિયલ ડીઝલ, 5 કિલોના LPG સિલિન્ડર અને આંતરરાષ્ટ્રીય એરલાઇન્સને સપ્લાય કરવામાં આવતું જેટ ફ્યૂઅલ. આ ઉપરાંત 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં પણ રૂ. 993નો વધારો કરાઈ ચૂક્યો છે. જો કે, રિટેલ પેટ્રોલ, ડીઝલ અને ઘરેલુ LPGના ભાવ યથાવત્ છે.
વડાપ્રધાન મોદીની પણ લોકોને ફ્યૂઅલ બચાવવા અપીલ
આ ઘટનાક્રમ એવા સમયે આવ્યો છે, જેના થોડા દિવસો પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને સ્વૈચ્છિક રીતે પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા અને વિદેશી મુદ્રા ભંડાર બચાવવા માટે સોનાની બિનજરૂરી ખરીદી ટાળવાની અપીલ કરી હતી. આ ઉપરાંત પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ તાજેતરમાં ચિંતા વ્યક્ત કરી હતી કે ઓઈલ કંપનીઓ ક્યાં સુધી કિંમતો વધાર્યા વિના ખોટ સહન કરી શકશે. તેમણે એક કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘ઓઈલ કંપનીઓ આ કેટલા સમય સુધી સહન કરી શકશે? સ્પષ્ટપણે, તે મને ચિંતિત કરે છે.’
આ પણ વાંચો: PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ
ક્રૂડના વધતા ભાવનો બોજ ગ્રાહકો પર નાખવા IMFનું પણ સમર્થન
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે પણ ક્રૂડના વધતા ભાવનો બોજ ગ્રાહકો પર નાખવાનું સમર્થન કરતા કહ્યું છે કે ભારત પાસે હજુ પણ વર્તમાન ઊર્જા સંકટમાંથી બહાર આવવાની ક્ષમતા છે. ભારતનું ફ્યૂઅલ બજાર મોટે ભાગે સરકારી રિફાઈનરીઓ દ્વારા નિયંત્રિત છે, જે દેશભરના રિટેલ આઉટલેટ્સના લગભગ 90% હિસ્સો ધરાવે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવને કેન્દ્ર સરકાર દ્વારા અસરકારક રીતે મંજૂરી અપાય છે. જો કે રાજ્યના વેરા અલગ-અલગ હોય છે.
ભારતનો છૂટક ફુગાવો માર્ચમાં 3.40% થી વધીને એપ્રિલમાં 3.48% થયો હતો. જો કે તે અપેક્ષા કરતા ઓછો હતો કારણ કે સરકારે ક્રૂડના ભાવ વધારાનો અમુક હિસ્સાનો ખર્ચ પોતે કર્યો હતો.
ક્રૂડના ભાવ અંગે અર્થશાસ્ત્રીઓ પણ ચિંતિત
જો કે, અર્થશાસ્ત્રીઓ ચિંતિત છે કે જો ઓઈલના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહેશે તો મુશ્કેલી સર્જી શકે છે. જેમ કે, તેના કારણે મોંઘવારી વધી શકે છે. આર્થિક વૃદ્ધિ ધીમી પડી શકે છે અને રૂપિયો પણ નબળો પડી શકે છે. આ સ્થિતિમાં દેશની કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ (ચાલુ ખાતાની ખાધ) વધી શકે છે.
નોંધનીય છે કે, RBIએ ચાલુ નાણાકીય વર્ષ માટે 6.9% આર્થિક વૃદ્ધિ અને 4.6% સરેરાશ ફુગાવાનો અંદાજ મૂક્યો છે. કેન્દ્રીય બેંકે એપ્રિલમાં રેપો રેટ 5.25% પર યથાવત રાખ્યો હતો. મલ્હોત્રાએ કહ્યું કે RBI ડેટા-આધારિત અભિગમ અપનાવી રહી છે અને જો મોંઘવારીનું દબાણ લાંબું ચાલશે તો પગલાં લેવા માટે તૈયાર છે.










