![]()
Ahmedabad News: અમદાવાદના થલતેજ વોર્ડમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીનો વિવાદ વધુ વકર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સોસાયટીના રહીશોને ડિમોલિશનની નોટિસ આપવામાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. કોર્પોરેશને સોસાયટીના તમામ 25 પરિવારોને 16મી ડિસેમ્બર સુધીમાં ડિમોલિશન કાર્યવાહી કરવા માટે નોટિસ આપી છે, જેના કારણે 35 વર્ષથી રહેતા પરિવારો સામે રહેઠાણનું સંકટ ઊભું થયું છે.
સ્થાનિકોએ ભાજપના નેતાઓને સૂત્રોચ્ચાર કરી ભગાડ્યા
સોમવારે જ્યારે વોર્ડના ભાજપના કોર્પોરેટર સમીર પટેલ સોસાયટી ખાતે પહોંચ્યા, ત્યારે સ્થાનિકોએ તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ ‘હાય રે ભાજપ હાય હાય’ના સૂત્રોચ્ચાર કરીને કોર્પોરેટરને ઘેરી લીધા હતા, જેને કારણે કોર્પોરેટરને પોતાની ગાડીમાં બેસીને તાત્કાલિક સ્થળ પરથી ભાગી જવાની ફરજ પડી હતી. થલતેજ વોર્ડમાં 35 વર્ષથી આવેલી આ સોસાયટીને તંત્ર દ્વારા ગેરકાયદે જાહેર કરવામાં આવી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, બિલ્ડર કાંતિભાઈએ મૂળ ફાળવવામાં આવેલા પ્લોટના બદલે અન્ય પ્લોટ પર સોસાયટીનું બાંધકામ કરીને મકાનો વેચી દીધા હતા. મૂળ પ્લોટના માલિકે પોતાનો પ્લોટ પરત માંગતા આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચો: સ્થાનિક ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપે ફરી બોર્ડ-નિગમનું ગાજર લટકાવ્યું! દાવેદારોનો ધમધમાટ
થલતેજ વોર્ડમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો
સોસાયટીમાં 23 જેટલા વૃદ્ધ પરિવારો રહે છે. સ્થાનિકોએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો કે જો કોર્પોરેશને બુલડોઝર ફેરવવું જ હોય, તો તે તેમના ઉપરથી ફેરવે. સ્થાનિકોનો મુખ્ય આક્ષેપ છે કે કોર્પોરેશન બિલ્ડર સામે કાર્યવાહી કરવાને બદલે નિર્દોષ રહીશોને ઘરવિહોણા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સ્થાનિકોના ઉગ્ર વિરોધને કારણે થલતેજ વોર્ડમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા હવે આગળની શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.










