![]()
– અકસ્માત બાદ બંને વાહનો રસ્તાની સાઈડમાં ઉતરી ગયા
– અકસ્માતમાં ટ્રેક્ટરના ચાલકને ઈજા,બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ
સુરેન્દ્રનગર : વેળાવદરથી સુરેન્દ્રનગર તરફ મુસાફરો અને વિધાર્થીઓને લઈ જઈ રહેલી એસ.ટી બસ દિગસર-દાણાવાડા ચોકડી પાસે પહોંચતા રસ્તા પર જઈ રહેલા ટ્રેકટર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત બાદ બંને વાહનો રસ્તાની સાઈડમાં ઉતરી ગયા હતા. અકસ્માતમાં ટ્રેકટરના ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે એસ.ટી.બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થતા મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિકજામ થયો હતો. તેમજ એસ.ટી.બસના મુસાફરોને અકસ્માતને કારણે કલાકો સુધી રસ્તા પર બેસી રઝળવાનો વારો આવ્યો હતો. જ્યારે પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને પૂર્વવત કર્યોે હતો. પ્રાથમિક તપાસમાં ચાલુ ટ્રેક્ટરનું એક ટાયર નીકળી જતા ટ્રેકટર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું હાલ બહાર આવ્યુ છે. જ્યારે અકસ્માતનું સાચું કારણ પોલીસ તપાસ બાદ જ માલૂમ પડશે.










