![]()
વડોદરા : ચોરી લૂંટ સહિતના ૧૦૯થી વધુ ગુનાઓ આચરી હાહાકાર મચાવનારી દુધાણી
ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ
કેસમાં આરોપીઓ સામે હાલ ઉંડાણ પૂર્વકની તપાસ કરવામાં આવી રહી હોઇ તપાસ અધિકારીએ
ચાર્જશીટ દાખલ કરવા માટે વધુ સમયની માંગણી કરતા ન્યાયાધીશે તા.૧ સુધીનો સમય મંજૂર
કર્યો હતો.
કેસની વિગત એવી છે કે, અસંખ્ય ગુનાઓ આચનારી દુધાણી ગેંગ અંગે પોલીસે
તપાસ કરતા ખુલવા પામ્યું હતું કે, આ ગેંગના સાગરીતોએ વડોદરા
શહેર ઉપરાંત સાબરકાંઠા, પંચમહાલ અને ગાંધીનગર જિલ્લાના વિવિધ
પોલીસ સ્ટેશનની હદમાં ગુનાઓ આચર્યા છે. તપાસમાં આ ગેંગ સામે ૧૦૯ જેટલા ગુના
નોંધાયેલા હોઇ પોલીસે શંકર સોનુભાઈ મારવાડી, અર્જુનસીંગ
દુધાણી અને સન્નીસીંગ દુધાણી સહિતના આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી
આરોપીઓની ધરપકડ કરી હતી.
આ કેસમાં હાલ તપાસ ચાલી રહી હોઇ તપાસ અધિકારીએ ચાર્શીટ દાખલ
કરવા માટે વધુ સમયની માંગણી કરતી અરજી કોર્ટમાં રજૂ કરી હતી. તેની સુનાવણીમાં
સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી કે, આરોપીઓ
રીઢા ગુનેગાર છે અને તપાસ દરમિયાન સહકાર આપી રહ્યા નથી. હજુ પણ ૫૧ ફરિયાદીઓ અને ૫૮
તપાસ કરનાર અમલદારોના નિવેદનો લેવાના બાકી છે. આ ઉપરાંત, આરોપીઓની
સ્થાવર-જંગમ મિલકતો, આર.ટી.ઓ.તેમજ બેંક ટ્રાન્ઝેક્શનની
માહિતી મેળવવાની પ્રક્રિયા ચાલુ હોવાથી ૯૦ દિવસનો વધારાનો સમય જરૃરી છે.
અદાલતે બન્ને પક્ષની
દલીલો સાંભળ્યા બાદ ચાર્જશીટ દાખલ કરવા માટેનો તા.૧ જુન ૨૦૨૬ સુધીનો સમય વધારી
આપ્યો હતો. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે,આ કેસમાં અસંખ્ય
દસ્તાવેજો અને સાક્ષીઓના નિવેદનો લેવાના બાકી છે. ઘણા પોલીસ અધિકારીઓ નિવૃત્ત થઈ
ગયા હોવાથી તેમના નિવેદનો લેવામાં સમય જઈ રહ્યો છે. આથી, ન્યાયના
હિતમાં ચાર્જશીટ રજૂ કરવા માટે સમય વધારી આપવામાં આવે છે અને તપાસ વહેલી પૂર્ણ થાય
તો તુરંત ચાર્જશીટ રજૂ કરવનો પણ આદેશ
કર્યો હતો.










