![]()
વડોદરા, તા.22 સાયબર ક્રાઇમ માટે દુબઇથી થતી છેતરપિંડીના કેસમાં કરજણના બે શખ્સોના બેન્ક એકાઉન્ટોનો ઉપયોગ કરી લાખો રૃપિયા ટ્રાન્સફર કરાયા હોવાનું બહાર આવ્યા બાદ પોલીસે કરજણના બંને શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સોહીલ સાદીક પટેલ (રહે.ભાથુજી મંદિરવાળી લાઇન, જલારામનગર, કરજણ)ના નામનું કરજણની એચડીએફસી બેંકમાં એકાઉન્ટ હતું આ એકાઉન્ટ સામે કેરાલા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને તેલંગણામાં સાયબર ક્રાઇમની ફરિયાદ નોધાઇ હતી. આ બેન્ક એકાઉન્ટમાંથી તા.૧૬ એપ્રિલથી તા.૨૨ એપ્રિલ ૨૦૨૫ સુધીમાં એટલે કે માત્ર સાત દિવસમાં જ આ એકાઉન્ટમાં રૃા.૫૫.૭૩ લાખ ઓનલાઇન યુપીઆઇથી જમા થયા હતાં અને બાદમાં યુપીઆઇથી અલગ અલગ બેંકોમાં આ રકમ ટ્રાન્સફર થઇ તે બેંકમાંથી પણ રકમ ઉપાડી લેવામાં આવી હતી. આ અંગે મોહસીન ફટકીયા (રહે.સાંસરોદ) અને સયાન પટેલ (રહે.ભરૃચ) સામે કરજણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે સોહીલ પટેલની ધરપકડ કરી છે. મજૂરી કામ કરતો સોહીલની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે એક બેન્ક એકાઉન્ટ માટે રૃા.૫ હજાર મળ્યા હતાં. જો કે પોલીસને તેના પર વિશ્વાસ નહી હોવાથી તેને કાલે રિમાન્ડ માટે રજૂ કરાશે.
અન્ય બનાવમાં સાહીલશા હુસેનશા દિવાન (રહે.મસ્જિદ ફળિયું, નવાબજાર, કરજણ) અને સોયબ મલેક (રહે.ઓમ શાંતિનગર, કરજણ) સામે બીજી ફરિયાદ નોધાઇ હતી. જેમાં સાહીલશા દિવાને એચડીએફસીમાં બેન્ક એકાઉન્ટ ખોલાવી તેને ભાડે આપ્યું હતું અને રૃા.૯.૪૬ લાખના ટ્રાન્ઝેક્શન તેના ખાતામાંથી થયા હોવાનું બહાર આવ્યુ હતું. પોલીસે સાહીલશાની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા પોતે ધો-૧૦ પાસ હોવાનું જાણવા મળ્યું હતું અને પોતે છૂટક કામ કરે છે. ભરૃચનો સયાન પટેલ મુખ્ય ભેજાબાજ હોવાનું મનાય છે તે દુબઇથી ઓપરેટ થતા સાયબર ક્રાઇમનો એજન્ટ હોવાની આશંકા સાથે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.










