![]()
વડોદરા : ૧૬ વર્ષની સગીરાને ભગાડી જઇ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવાના
બનાવમાં સંડોવાયેલા આરોપીને દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટની કલમ હેઠળ કસૂવાર ઠેરવી
અદાલતે આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૃા.૫૦ હજારનો દંડ કર્યો હતો. આરોપી
જો દંડની રકમ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજાનો આદેશ કરવામાં આવ્યો હતો.
કેસની વિગત એવી છે કે, બાપોદ પોલીસ સ્ટેશનમાં તા.૨૩ ઓક્ટોબર ૨૦૨૨ના
રોજ મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની ૧૬ વર્ષની દીકરી
સવારે દૂધ લેવા માટે ગઇ હતી અને ત્યાર બાદ તે ગુમ થઇ ગઇ છે. આ બનાવ અંગે પોલીસે
તપાસ હાથ ધરતા ખુલવા પામ્યું હતું કે, સગીરાને જગદીશ
સુરેશભાઇ વાઘેલા નામનો શખ્સ ભગાડી ગયો છે.
પોલીસે આ બનાવ અંગે અપહરણ, દુષ્કર્મ તેમજ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો
દાખલ કરી આરોપી જગદીશ સુરેશભાઇ વાઘેલા (રહે.વાઘોડિયા રોડ,વુડાના
મકાનમાં)ની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ
પી.સી.પટેલે દલીલો કરી હતી. સરકાર તરફે
મુખ્યત્વે રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપી ધો.૧૦માં
અભ્યાસ કરતી સગીરાને ભગાડી ગયો છે ત્યારે આ ગંભીર પ્રકારના ગુનામાં આરોપીને મહત્તમ
સજા થવી જોઇએ, પીડિતાએ તેના નિવેદનમાં પણ તેની સાથે દુષ્કર્મ
આચરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. ન્યાયાધીશે આરોપી જગદીશ વાઘેલાને ૨૦ વર્ષની
સજા ફટકારી પીડિતાને વળતર પેટે રૃા.૧ લાખ ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.










