![]()
– 6 શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો
– પોલીસે 240 બોટલ કફ સિરપ, મોબાઈલ કાર સહિત રૂ. 12.48 લાખનો મુદ્દામાલ જપ્ત કયા
બગોદરા : ધોલેરાના એપ્રોચ રોડ પરથી નશાકારક કફ સિરપની હેરાફેરી કરતા પાંચ શખ્સને ધોલેરા પોલીસે પકડી પાડયા હતા. પોલીસે ૨૪૦ બોટલ કફ સિરપ, મોબાઈલ કાર સહિત રૂ. ૧૨.૪૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી છ શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ધોલેરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વાલીન્દા-ગાંફ ગામના એપ્રોચ રોડ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા હતા ત્યારે અર્ટીગા (જીજે-૦૪-ઈએ-૦૫૨૮) અને વેગનઆર (જીજે-૦૧-કેવી-૩૯૭૫) શંકાસ્પદ હાલતમાં જોવા મળી, જેમાં કેટલાક લોકો સામાનની હેરફેર કરી રહ્યા હતા. પોલીસે સ્થળ પર હાજર પાંચેય વ્યક્તિઓની પૂછપરછ કરી અને અર્ટિગા કારની તલાશી લેતા, તેમાંથી બે કોથળીઓમાં ભરેલી કફ સિરપની બોટલો મળી આવી. આરોપીઓ કફ સિરપ રાખવા માટે કોઈ બિલ કે પરમિટ રજૂ કરી શક્યા ન હતા. આ કફ સિરપ એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત હોવાનું એફએસએલ અધિકારીની હાજરીમાં ચકાસણી કરતા જાણવા મળ્યું.
પોલીસે કિરણભાઈ ખોડાભાઈ સાંકળિયા (ઉં.વ.૨૪, રહે. મીંગલપુર, તા. ધોલેરા), મહેશભાઈ ભારૂભાઈ મકવાણા (ઉં.વ.૨૮,રહે. મીંગલપુર,તા.ધોલેરા), અજયભાઈ બાબુભાઈ બાવળીયા (ઉં.વ.૨૭, રહે. મીંગલપુર), નરેન્દ્રભાઈ મનસુખભાઈ રાંઘાણી (ઉં.વ.૨૩,રહે.ખૂણ,તા.ધોલેરા) અને મિલનભાઈ કાળુભાઈ પરમાર (ઉં.વ.૧૮, રહે. વાલીન્ડા ગામ,તા. ધોલેરા)ને ઝડપી પાડયા હતા. જ્યારે અનિલભાઈ ઘુઘાભાઈ ચૌહાણ (રહે. વાલીન્ડા,તા.ધોલેરા) સ્થળ પર હાજર નહીં મળી આવતા પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
પોલીસે સ્થળ પરથી ૨૪૦ બોટલ નશાકારક કફ સિરપ (કિં.રૂ.૨૩,૫૨૦), ૫-મોબાઈલ (કિં.રૂ.૨૫,૦૦૦), અર્ટિગા કાર (કિં.રૂ.૭,૦૦,૦૦૦) વેગનઆર કાર (કિં.રૂ.૫,૦૦,૦૦૦) મળી કુલ રૂ.૧૨,૪૮,૫૨૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ ધોલેરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ ૮(બ), ૨૧(બ), અને ૨૯ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.










