![]()
વડોદરા, તા.5 શહેરના અલકાપુરી વિસ્તારની ધોરણ-૧૨માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની પર લટ્ટુ થઇ ગયેલા ટયૂશન શિક્ષકે લગ્ન કરવાનો પ્રસ્તાવ પણ મૂકી દેતા આખરે વિદ્યાર્થિનીએ ટયુશન જવાનું બંધ કરી દેવું પડયું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ ધોરણ-૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ટયુશન ક્લાસમાં જતી હતી ત્યારે ટયુશનના શિક્ષકની વિદ્યાર્થિનીને જોઇ દાનત બગડી હતી અને તેને ફસાવવાનો કારસો રચ્યો હતો. ટયુશન ક્લાસના શિક્ષકે વિદ્યાર્થિનીને પોતાની વાતોમાં ફસાવી હતી અને પોતાની પાસે બંગલો, ગાડી અને ઘણી પ્રોપર્ટી છે તેવી લાલચ આપી લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકી દીધો હતો.
વિદ્યાર્થિનીએ શિક્ષકના આ કૃત્યની જાણ ઘરમાં કરતા પરિવારના સભ્યોએ આખરે ટયુશન બંધ કરાવી દીધું હતું. વિદ્યાર્થિનીએ ટયુશન ક્લાસમાં આવવાનું બંધ કરી દેતા શિક્ષક બેબાકળો થઇ ગયો હતો અને વિદ્યાર્થિની સાથે મોબાઈલ પર વાતચીત કરવાનો પ્રયાસ કરેલ પરતુ વિદ્યાર્થિની પાસે મોબાઈલ ના હોવાથી તેનો સંપર્ક થઇ શક્યો ના હતો. દરમિયાન શિક્ષકે વિદ્યાર્થિની સાથે સંપર્ક સાધવા બીજો રસ્તો અપનાવ્યો હતો અને ટયુશનમાં આવતી અન્ય વિદ્યાર્થિનીઓને પોતાનો મોબાઈલ આપી સગીરા સાથે વાત કરાવવા તેના ઘેર મોકલી હતી.
શિક્ષકની આ હેરાનગતીથી કંટાળી આખરે વિદ્યાર્થિનીના પરિવારના સભ્યોએ મહિલા પોલીસની મદદ મેળવી હતી અને સમગ્ર વિગતો જણાવતા પોલીસની ટીમ શિક્ષક પાસે પહોંચી ગઇ હતી અને તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.










