![]()
National News: ખેડૂતની એવી તો કેવી મજબૂરી કે દેવું ભરવા માટે કિડની પણ વેચવી પડે, એવું તે કેવું વ્યાજ કે એક લાખના 74 લાખ થઈ ગયા! મહારાષ્ટ્રમાં હ્રદયને વલોવી નાખતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ખેડૂત વ્યાજના વિષચક્ર તળે એટલો દબાઈ ગયો કે કિડની વેચી કાઢી, ખેડૂત માટે આ ઘટના નર્ક સમાન છે. સભ્ય સમાજ માટે શરમજનક! સમગ્ર મામલો સામે આવતા હાલ પોલીસે ફરિયાદ નોંધી 5 વ્યાજ માફિયાઓની ઘરપકડ કરી છે.
લોકડાઉન થયું અને ધંધો ભાગી પડ્યો
ખેડૂત પિતાએ પુત્રની મજબૂરી અને આપવીતીનું વર્ણન કરતાં કહ્યું કે ‘એક એવો સમય હતો જ્યારે પરિવાર સુખી સંપન્ન હતો. દીકરો પશુ ઢોર રાખી દૂધ વ્યવસાય ચલાવતો જે સારો ચાલતો પણ કુદરતને અલગ જ મંજૂર હતું. કોરોના આવ્યો, લોકડાઉન થયું અને ધંધો ભાગી પડ્યો, રોજ રૂપિયા કમાઈ શાંતિથી જીવન જીવતો પરિવાર આર્થિક તંગીમાં આવી ગયો. ધીમે ધીમે લોકડાઉન ખૂલ્યું તો કુદરતે બીજો ઘા આપ્યો અને લમ્પી વાયરસે પરિવારને બેઠો જ થવા દીધો
એક લાખનું વ્યાજ 74 લાખ
લમ્પી રોગ પ્રાણીઓમાં ફેલાઈ ગયો, જેનાથી જે પણ નાનો ધંધો બાકી રહ્યો હતો તે બંધ થઈ ગયો પામ્યો. ધંધાને ફરીથી બેઠો કરવા રોશને વ્યાજખોરો પાસેથી લગભગ એક લાખ રૂપિયાની શરૂઆતની લોન લીધી. પરંતુ આ એક લાખ રૂપિયાનું દેવું જોત જોતાંમાં વ્યાજ માફિયાઓએ 74 લાખનું કરી દીધું!
જમીન, ઘર અને ઘરેણાં વેચ્યા
પીડિત પિતાએ ભાવુક આંખે કહ્યું કે ‘વ્યાજખોરો ચાર પાંચ લોકોની ટોળકી મોકલતા હતા અને દીકરા સાથે મારપીટ કરતાં હતા. વ્યાજ પર વ્યાજ, દીકરો થોડું ઘણું કમાતો હતો તે વ્યાજમાં જતું રહેતું હતું, પઠાણી ઉધરાણીથી કંટાળીને અમે જમીન, ઘર અને ઘરેણાં સુધી બધુ જ વેચી માર્યું, અત્યાર સુધી 1 લાખના અમે 74 લાખ આપ્યા, કેટલાક રૂપિયા બેન્ક તો કેટલાક ઓનલાઇનથી નાખ્યા જેની રસીદો પણ અમારી પાસે પડી છે.
દીકરાએ પરિવારને બચાવવા કિડની વેચી
વ્યાજના ભૂખ્યા વ્યાજખોરોએ હજુ પણ દીકરાને હેરાન કરતાં હતા. ધમકીઓ અને નાણાં ભીડથી કંટાળી ગયેલા ખેડૂત પુત્રએ આખરે કિડની વેચવાનો ભયાનક નિર્ણય કર્યો, પિતાએ રડતાં રડતાં કહ્યું કે મારા દીકરાએ પરિવારને જવાબદારી ઉઠાવવા આ પગલું ભર્યું પણ વ્યાજખોરો તેની જિંદગી બરબાદ કરી નાખી, હવે પરિવાર પાસે જીવવાનો કોઈ રસ્તો બચ્યો નથી.
આ પણ વાંચો: ખુશખબર! નેશનલ પેન્શન સિસ્ટમમાં મોટો ફેરફાર, હવે યોજનામાં 80 ટકા સુધી પૈસા ઉપાડી શકશો
5ની ધરપકડ, માનવ અંગની તસ્કરી અંગે તપાસ
આખરે મામલો ઉજાગર થયો અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું, તપાસ કરી તાત્કાલિક 5 વ્યાજ માફિયાઓને પકડી લીધા અને માનવ અંગોની તસ્કરી કરતાં નેટવર્ક અંગે તપાસ શરૂ કરી. પોલીસ હાલ પરિવારને ન્યાય મળે તે માટે યોગ્ય પગલાં લેવાઈ રહ્યા છે. માનવ અંગોની તસ્કરીનું રેકેટ અન્ય રાજ્ય અને મોટી હોસ્પિટલ સાથે જોડાયેલું છે કે તે દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.










