![]()
Surat Education Committee : સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષણનું સ્તર નીચું ગયા હોવાના આક્ષેપની વચ્ચે ખાનગી શાળામાંથી સમિતિની શાળામાં પ્રવેશ મેળવનારાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં શાળાનું સત્ર શરુ થયું ત્યારથી અત્યાર સુધીમાં 12700 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી પાલિકાની શાળામાં પ્રવેશ લીધો છે. આ પહેલા કોરોના કાળમાં 13673 બાળકોએ ખાનગી સ્કૂલ છોડીને પાલિકાની સ્કૂલમાં પ્રવેશ લીધો હતો ત્યાર બાદ હાલમાં આંકડો 13 હજારની નજીક પહોંચી ગયો છે. જેના કારણે સુરતમાં શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે કે સમિતિના શિક્ષણનું સ્તર સુધર્યું છે તે ચર્ચાનો વિષય બન્યો છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આમ તો વિવાદનું ઘર છે પરંતુ છેલ્લા કેટલાક વખતથી સમિતિના શિક્ષણનું સ્તર સુધરી રહ્યું છે આ ઉપરાંત હાલમાં વધતી જતી મોંઘવારી અને તેમાં પણ ખાનગી શાળાઓમાં શિક્ષણ ઘણું જ મોંઘુ થઈ રહ્યું હોવાથી મધ્યમ વર્ગમાં પણ ખાનગી શાળાનો મોહ ઓછો થઈ રહ્યો છે. તેના પરિણામે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષકોની ઘટ વચ્ચે વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
હાલ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિદ્યાર્થીઓની સંખ્યા બે લાખની નજીક પહોંચી ગઈ છે. તેનું કારણ એ છે કે આ વર્ષે સત્ર શરુ થયું ત્યારથી અત્યાર સુધીમાં 12700 વિદ્યાર્થીઓ એવા છે જેઓએ ખાનગી શાળામાંથી પાલિકાની શાળામાં પ્રવેશ લીધો છે. ખાનગી શાળામાંથી પાલિકાની શાળામાં પ્રવેશ લેનારામાં કતારગામ ઝોનમાં સૌથી વધુ એટલે કે 3970 અને વરાછા ઝોનમાં 3374 બાળકોનો સમાવેશ થાય છે. આ આ બન્ને વિસ્તાર સૌરાષ્ટ્રીયન બહુમતીવાળા વિસ્તાર છે અને અહીં રત્નકલાકારોની સંખ્યા પણ વધુ છે. છેલ્લા કેટલાક વખતથી હીરામાં મંદીના કારણે સમસ્યા ઉભી થઈ હતી કદાચ તેનું પણ કારણ હોઈ શકે છે. તો બીજી તરફ પરપ્રાંતિય વિસ્તાર ધરાવતા લિંબાયત ઝોનમાં 2961 અને ઉધના વિસ્તારમાંથી 1344 બાળકોએ ખાનગી શાળા છોડીને પાલિકાની શાળામાં પ્રવેશ લીધો છે. જ્યારે મૂળ સુરતીઓની વસ્તી ધરાવતા સેન્ટ્રલ ઝોનમાંથી 324, અઠવા ઝોનમાંથી 247 અને રાંદેર ઝોનમાંથી 480 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી પાલિકાની શાળામાં પ્રવેશ લીધો છે.
સમિતિની સ્કૂલમાં ખાનગી સ્કૂલ જેવી સુવિધાના કારણે વિદ્યાર્થીઓ વધી રહ્યાં છે : અધ્યક્ષ
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ખાનગી સ્કૂલ જેવી સુવિધા અને તે પણ વિના મૂલ્યે આપવામાં આવતી હોવાથી વિદ્યાર્થીઓ વધી રહ્યાં છે હોવાની વાત શિક્ષણ સમિતિના અધ્યક્ષ કરી રહ્યાં છે. સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડીયા કહે છે. આ ઉપરાંત શાળામાં વિજ્ઞાન લેબ અને સ્માર્ટ બોર્ડ પર શિક્ષણ આપવામા આવી રહ્યું છે. સમિતિની સ્કૂલમાં સુવિધામાં વધારો કરવા સાથે શિક્ષણનું સ્તર સુધારવા અને કોમ્પ્યુટર વિષય તથા અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરતા ખાનગી સ્કૂલમાંથી દર આ વિદ્યાર્થીઓ સમિતિની સ્કૂલમાં પ્રવેશ લઈ રહ્યા છે. આ ઉપરાંત પાલિકાની શાળામાં વિનામુલ્યે પુસ્તક, સ્કુલ બેગ, બુટ-મોજા સહિતની સામગ્રી આપવામા આવે છે અને મધ્યાહન ભોજન પણ આપવામાં આવે છે તેના કારણે પણ અનેક વિદ્યાર્થીઓ સમિતિની શાળામાં પ્રવેશ લઈ રહ્યાં છે.
સરકારી શાળાના વિદ્યાર્થીઓ-શિક્ષકો સ્માર્ટ બનાવવાનો પ્રયાસ
સુરતમાં ખાનગી સ્કૂલોની જેમ સરકારી સ્કૂલમાં શિક્ષણનું સ્તર સુધારવા સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓને સ્માર્ટ બનાવવા પાલિકા પ્રયાસ કરી રહી છે. આ પ્રયાસના ભાગરૂપે ખાનગી સ્કૂલમાં જેમ ઈન્ટર એક્ટિવ (સ્માર્ટ બોર્ડ) પર શિક્ષણ અપાય છે તેમ સમિતિ અને સુમન સ્કુલમાં પણ આ બોર્ડ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ માટે શિક્ષકોને ખાસ તાલીમ આપવામાં આવી છે. આ બોર્ડના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણમાં રૂચી વધવા સાથે શિક્ષકો ઓછી મહેનતે વધુ સારું શિક્ષણ આપી રહ્યાં છે.
વિવિધ પ્રયોગ, દાખલા અને વાર્તાનું ઓડિયો વિડિયો થી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. આ પ્રકારની પદ્ધતિથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં કંટાળો આવતો નથી અને રસ પૂર્વક માહિતી નિહાળી રહ્યા હોવાથી શિક્ષણ જલ્દી પણ ગ્રહણ કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કંટાળો ઓછા થઈ રહ્યો હોવાથી શિક્ષણનું સ્તર વધુ સુધરે તેવો દાવો કરવામા આવી રહ્યો છે. આ બોર્ડને ઈન્ટરનેટ સાથે જોડી દેવામાં આવ્યું હોવાથી આધુનિક માહિતી વિદ્યાર્થીઓને મળી રહે છે અને વિદ્યાર્થીઓ ઝડપથી શીખી પણ રહ્યાં છે.










