![]()
વડોદરા : ગુજસીટોકનો વડોદરામાં પહેલો ગુનો બિચ્છૂ ગેંગ વિરૃદ્ધ દાખલ થયો
હતો,જેમાં નામચીન અસલમ બોડિયો હાલ જેલમાં છે ત્યારે તેણે પુત્રની કોલેજ ફી ભરવા માટે તેમજ બેંક લોનના હપ્તા બાકી હોઇ
નાણાંની વ્યવસ્થા કરવા માટે ૩૦ દિવસના વચગાળાના જામીન માગતા ન્યાયાધીશે અરજદારની
અરજી રદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, બિચ્છુ ગેંગ સામે ૨૦૨ જેટલા ગુના નોંધાયેલા છે
જેમાં ગેંગ લીડર અસલમ બહૈદરમીયા શેખ ઉર્ફે અસલમ બોડીયા સામે ૬૪ ગુનાઓ દાખલ થયેલા
છે. ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયા બાદ છેલ્લા ચાર વર્ષ કરતા વધુ સમયથી બોડીયો
જેલમાં છે ત્યારે તેણે ૩૦ દિવસના વચગાળાના જામીન માગી રજૂઆત કરી હતી કે, તેના પુત્રનું ડિપ્લોમાં એડમીશન લેવામાં આવ્યું છે અને તેની ફી ૮૩,૦૦૦ છે. આ ઉપરાંત તેણે બેંકમાંથી લોન લીધી છે અને એલઆઇસીમાંથી પણ લોન લીધી
છે. તે જેલમાં હોવાથી લોનના હપ્તા ભરાયા નથી એટલે
બેંક દ્વારા કાર્યવાહી કરવામાં આવશે માટે પૈસાની વ્યવસ્થા કરવા ૩૦ દિવસના
જામીનની જરુર છે.
જ્યારે સુનાવણીમાં સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડયાએ રજૂઆત
કરી હતી કે,
અરજદારે જે ગ્રાઉન્ડ પર વચગાળાના જામીન માગ્યા છે તે પાયા વગરના છે.
અરજદાર ગેંગ લીડર છે અને તેની સામે ૬૪ ગુનાઓ નોંધાયેલા છે. ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરતા નોંધ્યું હતું હતુ કે, અરજદારે અગાઉ હાઇકોર્ટમાં જામીન અરજી મુકતા તા.૨૧ ઓગસ્ટે હાઇકોર્ટે તેની
અરજી રદ કરી હતી. હાઇકોર્ટે પણ અરજદારનું વર્તન યોગ્ય ન હોવાનું અને તેણે કોર્ટ
કર્મચારીને ધમકી આપી હોવાની ચૂકાદામાં નોંધ કરી છે.










