![]()
યુ.એસ. જેકસન હોલ કોન્ફરન્સમાં ફેડ રેટ ઘટવાના સંકેતની અપેક્ષા
મુંબઈ : વૈશ્વિક મોરચે રશીયા-યુક્રેન વચ્ચે સીઝફાયર કરાવવા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપના દેશોના પ્રયાસો વચ્ચે આ કવાયત હજુ વધુ દિવસો ચાલવાની શકયતા સામે અમેરિકા માટે ટેરિફ મામલે હજુ પડકારો કાયમ હોઈ અને બીજી તરફ બ્રિક્સ દેશો વચ્ચે ટ્રેડ સમજૂતીના સંકેત અને ચાઈનાના બજારોમાં રેકોર્ડ રોકાણ પ્રવાહ થકી શાંઘાઈ શેર બજારમાં તેજી ૧૦ વર્ષની ટોચે પહોંચતાં અને ભારત-ચાઈનાના ટ્રેડ સંબંધો સુધરતાં આજે ભારતીય શેર બજારોમાં ફંડો સતત તેજીમાં રહ્યા હતા. આજે તેજીની આગેવાની ફરી આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોએ લીધી હતી. યુ.એસ. ફેડરલ રિઝર્વના જેક્શન હોલ કોન્ફરન્સ પહેલા આઈટી શેરોમાં આજે તીવ્ર વ્યાપક તેજી જોવાઈ હતી. ફેડ ચેરમેન જેરોમ પોવેલ શુક્રવારે આર્થિક દ્રષ્ટિકોણ અને સેન્ટ્રલ બેંકના નીતિ માળખા પર બોલાવાના હોઈ એના પર વિશ્વની નજર રહી છે. મોટાભાગના ઈન્વેસ્ટરો આગામી મહિને ૨૫ બેઝિઝ પોઈન્ટ ફેડ રેટ ઘટાડાની અપેક્ષા રાખી રહ્યા છે અને ભારતીય આઈટી કંપનીઓ તેમની આવકનો મોટો હિસ્સો યુ.એસ.ના બજારમાંથી મેળવી રહ્યા હોઈ કંપનીઓને પરોક્ષ ફાયદો થવાની અપેક્ષાએ ફંડોએ તેજી કરી હતી. જ્યારે ઘર આંગણે જીએસટી દરોમાં ઘટાડાની તૈયારી અને ચોમાસાના પોઝિટીવ પરિબળોએ ફંડોએ એફએમસીજી શેરોમાં સતત ખરીદી કરતાં બજારમાં રોનક છવાયેલી રહી હતી. આઈટી, એફએમસીજી શેરોમાં આકર્ષણે સેન્સેક્સ ૨૧૩.૪૫ પોઈન્ટ વધીને ૮૧૮૫૭.૮૪ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૬૯.૯૦ પોઈન્ટ વધીને ૨૫૦૫૦.૫૫ બંધ રહ્યા હતા.
આઈટી શેરોમાં ફરી તેજીના મંડાણ : ઈન્ટેલેક્ટ, લેટેન્ટ વ્યુ, ઈન્ફોસીસ, કોફોર્જ, ટીસીએસ, એમ્ફેસીસ, યુનિઈકોમ વધ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ફ્રન્ટલાઈન શેરો સાથે પસંદગીના ટેકનોલોજી શેરોમાં આજે ફંડો, મહારથીઓ ફરી તેજીના મંડાણ કરી વેલ્યુબાઈંગ કર્યું હતું. ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૭૯.૧૫ વધીને રૂ.૯૮૫.૫૫, લેટેન્ટ વ્યુ રૂ.૧૮.૩૫ વધીને રૂ.૪૨૬.૧૦, સોનાટા સોફ્ટવેર રૂ.૧૫.૬૫ વધીને રૂ.૩૭૧.૬૫, ઈન્ફોસીસ રૂ.૫૫.૮૫ વધીને રૂ.૧૪૯૫.૮૫, કોફોર્જ રૂ.૫૫.૯૫ વધીને રૂ.૧૭૦૮.૬૦, એમ્ફેસીસ રૂ.૯૨.૮૦ વધીને રૂ.૨૮૩૫, ટીસીએસ રૂ.૮૧.૨૫ વધીને રૂ.૩૦૯૭.૪૦, સિગ્નિટી રૂ.૩૮.૫૦ વધીને રૂ.૧૬૦૨.૧૫, યુનિઈકોમ રૂ.૩.૧૫ વધીને રૂ.૧૪૪.૦૫, પર્સિસ્ટન્ટ રૂ.૧૦૯.૯૦ વધીને રૂ.૫૩૪૫.૭૦, ટેક મહિન્દ્રા રૂ.૨૬.૪૦ વધીને રૂ.૧૫૨૩, જેનેસીસ રૂ.૯.૬૦ વધીને રૂ.૬૦૪, વિપ્રો રૂ.૩.૯૫ વધીને રૂ.૨૫૦.૯૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૮૯૦.૫૪ પોઈન્ટ વધીને ૩૫૦૩૦.૯૮ બંધ રહ્યો હતો.
ચોમાસાની સારી પ્રગતિએ એફએમસીજી શેરોમાં આકર્ષણ : ગોડફ્રે ફિલિપ રૂ.૧૨૫૭ ઉછળ્યો : પરાગ મિલ્ક, બ્રિટાનીયા વધ્યા
ચોમાસું દેશભરમાં સામાન્યથી સારૂ નીવડી રહ્યું હોઈ કૃષિ, ગ્રામીણ ક્ષેત્રે પ્રોત્સાહક વૃદ્વિની અપેક્ષા અને ફુગાવો ઘટવાની અપેક્ષાએ ફંડોની એફએમસીજી શેરોમાં પસંદગીની ખરીદી ચાલુ રહી હતી. ગોડફ્રે ફિલિપ રૂ.૧૨૫૭.૪૦ ઉછળી રૂ.૧૧,૦૬૪.૯૦, પરાગ મિલ્ક ફૂડ રૂ.૧૭.૫૫ વધીને રૂ.૨૪૫.૫૫, ગોકુલ એગ્રો રૂ.૧૯.૯૦ વધીને રૂ.૩૩૪.૫૦, ઉત્તમ સુગર રૂ.૧૪.૪૦ વધીને રૂ.૨૬૫, હોનાસા રૂ.૧૨.૧૫ વધીને રૂ.૨૯૭.૬૫, ઈમામી રૂ.૨૪ વધીને રૂ.૬૨૬.૭૫, હેરીટેજ ફૂડ રૂ.૧૮.૪૫ વધીને રૂ.૪૮૮.૩૦, બ્રિટાનીયા રૂ.૨૦૩.૪૦ વધીને રૂ.૫૭૦૩.૪૦, કોલગેટ પામોલીવ રૂ.૮૨.૭૫ વધીને રૂ.૨૩૫૬.૭૦ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૨૮૦.૨૪ પોઈન્ટ વધીને ૨૦૮૪૭.૦૯ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ : મુથુટ ફિન, કેર રેટિંગ, ચોઈસ ઈન્ટર., ઈન્ડસ ઈન્ડ બેંક, બેંક ઓફ બરોડા, કોટક બેંક ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ઉંચા મથાળે ફંડોએ પ્રોફિટ બુકિંગ કરતાં તેજીને બ્રેક લાગી હતી. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૭.૨૫ ઘટીને રૂ.૭૭૮.૩૦, બેંક ઓફ બરોડા રૂ.૨.૨૫ ઘટીને રૂ.૨૪૪.૮૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૦.૬૦ ઘટીને રૂ.૨૦૧૯.૫૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૬.૧૫ ઘટીને રૂ.૧૪૩૦.૨૫ રહ્યા હતા. જ્યારે ફાઈનાન્સ શેરોમાં ચોઈસ ઈન્ટરનેશનલ રૂ.૨૧.૬૦ ઘટીને રૂ.૭૯૭.૩૫, મુફિન રૂ.૨.૨૩ ઘટીને રૂ.૮૮.૭૮, મુથુટ ફિન રૂ.૬૧.૪૫ ઘટીને રૂ.૨૬૮૬. કેર રેટિંગ રૂ.૩૨.૯૫ ઘટીને રૂ.૧૫૭૭, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૩.૭૫ ઘટીને રૂ.૧૮૪.૫૫, આઈઆઈએફએલ કેપ્સ રૂ.૫.૫૦ ઘટીને રૂ.૩૨૪.૫૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૦૮.૫૫ પોઈન્ટ ઘટીને ૬૨૦૬૧.૦૫ બંધ રહ્યો હતો.
ઓટોમોબાઈલ શેરોમાં તેજીને વિરામ : હ્યુન્ડાઈ રૂ.૧૦૦ ઘટયો : ભારત ફોર્જ, ટાટા મોટર્સ, મધરસન, ટીવીએસ મોટર ઘટયા
ચોમાસાની સારી પ્રગતિ અને જીએસટી દરોમાં ઘટાડાની તૈયારીના આકર્ષણે છેલ્લા બે દિવસ ઓટોમોબાઈલ શેરોમાં મોટી તેજી જોવાયા બાદ હવે તહેવારોની સીઝનમાં વાહનોની ખરીદી વધવાની અપેક્ષા હતી, પરંતુ જીએસટી દરોમાં ક્યારે ઘટાડો થશે એની રાહમાં તહેવારોમાં વાહનોની ખરીદીમાં ગ્રાહકો રાહ જોશે એવી શકયતાના અહેવાલે આજે ઓટો શેરોમાં તેજીને વિરામ મળ્યો હતો. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૧૦૦.૩૫ ઘટીને રૂ.૨૪૮૪.૭૦, ભારત ફોર્જ રૂ.૨૭.૨૫ ઘટીને રૂ.૧૧૬૦.૬૦, ટાટા મોટર્સ રૂ.૧૦.૪૫ ઘટીને રૂ.૬૮૯.૬૫, મધરસન સુમી રૂ.૧.૪૭ ઘટીને રૂ.૯૭.૯૮, ટીવીએસ મોટર રૂ.૨૦.૮૦ ઘટીને રૂ.૩૨૩૧.૬૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૪.૦૧ પોઈન્ટ ઘટીને ૫૭૦૦૬.૩૭ બંધ રહ્યો હતો.
ઓનલાઈન મની બેઝડ ગેમ્સ પર પ્રતિબંધની તૈયારીએ ગેમીંગ કંપનીઓના શેરો તૂટયા : નઝારા રૂ.૧૮૦ તૂટીને રૂ.૧૨૨૨
ઓનલાઈન મની બેઝડ ગેમ્સ પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર થવાની તૈયારી વચ્ચે ઓનલાઈન ગેમ્સ ક્ષેત્રે સક્રિય કંપનીઓના શેરોમાં આજે વેચવાલી નીકળી હતી. નઝારા ટેક રૂ.૧૭૯.૭૦ તૂટીને રૂ.૧૨૨૧.૬૫ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં થર્મેક્સ રૂ.૭૩ ઘટી રૂ.૩૨૩૫ : ભારત ઈલેક્ટ્રોનિક્સ, સુપ્રિમ ઈન્ડ., પ્રાજ, ભારત ડાયનામિક્સ ઘટયા
કેપિટલ ગુડઝ શેરોમાં પણ આજે ઉંચા મથાળે નવી ખરીદીમાં સાવચેતી જોવાઈ હતી. થર્મેક્સ રૂ.૭૩ ઘટીને રૂ.૩૨૩૫.૧૫, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૮.૨૦ ઘટીને રૂ.૩૭૧.૭૫, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૬૪.૫૫ ઘટીને રૂ.૪૫૩૦, ભારત ડાયનામિક્સ રૂ.૧૯.૯૫ ઘટીને રૂ.૧૫૨૯.૫૦, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩.૫૫ ઘટીને રૂ.૪૧૧.૧૦, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭૦.૫૫ ઘટીને રૂ.૮૩૫૬.૨૦ રહ્યા હતા.
ઓલા ઈલેક્ટ્રિક ૧૯ ટકા ઉછળી રૂ.૫૩ : પ્રોટીઅન રૂ.૧૨૦, કાર્બોરેન્ડમ રૂ.૧૨૧, એજીસ લોજિસ્ટિક રૂ.૪૦, ન્યુલેન્ડ વધ્યા
એ ગુ્રપના આજે વધનાર પ્રમુખ અન્ય શેરોમાં ઓલા ઈલેક્ટ્રિક ૧૮.૯૬ ટકા એટલે કે રૂ.૮.૫૦ ઉછળી રૂ.૫૩.૩૨, પ્રોટીઅન રૂ.૧૨૦.૦૫ વધીને રૂ.૮૭૬.૯૫, કાર્બોરેન્ડમ રૂ.૧૨૧.૦૫ વધીને રૂ.૯૯૧.૫૦, એજીસ લોજિસ્ટિક રૂ.૪૦.૫૦ વધીને રૂ.૭૩૮, આરસીએફ રૂ.૮.૦૫ વધીને રૂ.૧૫૭.૩૫, અવાન્ટેલ રૂ.૬.૭૫ વધીને રૂ.૧૩૯.૭૫, ટાઈમ ટેકનો રૂ.૨૧.૬૦ વધીને રૂ.૪૮૩.૫૫, ન્યુલેન્ડ લેબ રૂ.૬૦૦.૮૦ વધીને રૂ.૧૩,૬૪૧.૯૦, સ્પાઈસ જેટ રૂ.૧.૪૮ વધીને રૂ.૩૫.૩૩ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓના વધતા આકર્ષણે માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૩૪૩ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના સંખ્યાબંધ શેરોમાં ફંડો, ખેલંદાઓની ખરીદી વધતાં અને અન્ય શેરોમાં પણ આજે વેલ્યુબાઈંગ વધતું જોવાતાં માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૪૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૩૪૩ અને ઘટનારની સંખ્યા ૧૭૨૫ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૧૧૦૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૮૦૬ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશમાં શેરોમાં રૂ.૧૧૦૦.૦૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૧,૫૯૯.૫૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૬૯૯.૬૪ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૮૦૬.૩૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૪,૪૬૪.૨૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૬૫૭.૯૦કરોડની વેચવાલી થઈ હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૭૭ લાખ કરોડ વધીને રૂ.૪૫૬.૧૭ લાખ કરોડ પહોંચ્યું
શેરોમાં સેન્સેક્સ, નિફટી બેઝડ સુધારાની આગેકૂચ સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં આકર્ષણ જળવાતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૭૭ લાખ કરોડ વધીને રૂ.૪૫૬.૧૭ લાખ કરોડ પહોંચ્યું હતું.










