![]()
Panchmahal Crime News: પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં પારિવારિક વિવાદ અને શંકાસ્પદ સંબંધોને લીધે એક ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. યમુના નગર સોસાયટી વિસ્તારમાં રહેતી પરિણીતાની તેના જ પતિએ બે સંતાનોની હાજરીમાં કરપીણ હત્યા કરી નાખતાં સમગ્ર પંથકમાં ભારે સનસનાટી ફેલાઈ ગઈ છે. આ ઘટનાના પગલે સ્થાનિકોમાં શોક અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
શંકાનું કારણ
પ્રાથમિક માહિતી અનુસાર, હાલોલની યમુના નગર સોસાયટીમાં રહેતો આ પરિવાર રોજગારી અર્થે ખાનગી કંપનીમાં કામ કરતો હતો અને પોતાના બે સંતાનો સાથે વસવાટ કરતો હતો. પરિવારના નજીકના સગા સાથે પત્નીના (મામી-ભાણા) સંબંધ હોવાની શંકાને કારણે પતિ-પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વારંવાર મતભેદો અને ઝઘડા થતા હોવાનો સ્થાનકોએ દાવો કર્યો છે. પરિવારજનો દ્વારા અગાઉ સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં બંને વચ્ચેનો વિવાદ યથાવત રહ્યો હતો.
ઉગ્ર બોલાચાલી બાદમાં જીવલેણ હુમલો
સોમવારની સવારે પતિ અચાનક ઘરે પરત ફર્યો હતો. તે સમયે પત્ની પોતાના સંતાનો સાથે રૂમમાં હતી. બંને વચ્ચે ફરી એકવાર ઉગ્ર બોલાચાલી થતાં મામલો હિંસક બની ગયો હતો. ઉશ્કેરાયેલા પતિએ પત્ની પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના દરમિયાન ઘરમાં હાજર બે માસૂમ સંતાનો ભયભીત થઈ ગયાં હતાં.
આરોપીનું આત્મસમર્પણ અને પોલીસ તપાસ
ઘટના બાદ આરોપીએ પોતાના પરિવારજનોને જાણ કરી અને ત્યારબાદ સીધો હાલોલ પોલીસ મથકે પહોંચી આત્મસમર્પણ કર્યું છે. પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને ઘટનાના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમરેલી: 96 હજારનું સાયબર ફ્રોડ શોધવા જતાં 2 કરોડ 74 લાખનું હોવાનું ખૂલ્યું, આરોપીની ધરપકડ
સંતાનોએ ગુમાવી માતા-પિતાની છત્રછાયા
આ કરુણ ઘટનાના કારણે બે નિર્દોષ સંતાનો માતાની મમતા અને પિતાની છત્રછાયા બંનેથી વંચિત બન્યાં છે. હાલોલમાં બનેલી આ ઘટના પારિવારિક વિવાદો અને શંકાના ગંભીર પરિણામો અંગે અનેક પ્રશ્નો ઊભા કરી રહી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલુ છે.









