![]()
Delhi Airport: દિલ્હીથી પટણા જઈ રહેલી એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને બુધવારે (23મી ઓક્ટોબર) ફરીથી ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI) પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પાઇલટે હવામાં જ સમસ્યા પારખી લેતા વિમાનને દિલ્હી પરત લાવવાનો ત્વરિત નિર્ણય લીધો, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી અને તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા.
પાયલટે લીધો સમયસર નિર્ણય
અહેવાલો અનુસાર, ફ્લાઇટ નંબર SG 497 (બોઈંગ 737-8A) એ સવારે 9:41 વાગ્યે દિલ્હીથી ઉડાન ભરી હતી. ટેકઓફ કર્યાના થોડા જ સમય પછી, પાઇલટને વિમાનમાં ટેકનિકલ સમસ્યા જણાતા તેણે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને જાણ કરી. પાયલટે વિમાનને ફરીથી લેન્ડ કરવાની પરવાનગી માંગી અને વિમાનને ઝડપથી સુરક્ષિત રીતે IGI એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું. વિમાન સુરક્ષિત રીતે લેન્ડિંગ થતાં મુસાફરો, ક્રૂ મેમ્બર્સ અને એરપોર્ટ મેનેજમેન્ટે રાહતનો શ્વાસ લીધો હતો.
એરપોર્ટ પર ઉતર્યા પછી વિમાનનું સંપૂર્ણ ટેકનિકલ નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. એરલાઇન્સ દ્વારા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: વેપારી પાસે રસ્તા પર નાક ઘસાવનારા નેતાને ભાજપે કર્યા સસ્પેન્ડ, 3 સાથીદારની પણ ધરપકડ
નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં વિમાનમાં ટેકનિકલ ખામીના કેટલાક કિસ્સાઓ બન્યા છે. બે મહિના પહેલા પણ દિલ્હીથી શ્રીનગર જતી એક ફ્લાઇટને 200થી વધુ મુસાફરો સાથે ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી હતી. તે જ રીતે, ઓગસ્ટ મહિનામાં સુરતથી દુબઈ જતી અન્ય એક ફ્લાઇટને પણ ટેકનિકલ ખામીને કારણે અમદાવાદમાં લેન્ડ કરવામાં આવી હતી.









