![]()
અમદાવાદ,સોમવાર,20 એપ્રિલ,2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ-૨૦૨૧થી૨૦૨૬ની ગત
ટર્મમા તેમના વોર્ડમાં ભાજપના કેટલાક કોર્પોરેટરો નિષ્ક્રીય રહયા હતા.આ પૈકી
મોટાભાગનાને ભાજપે પડતા મુકયા છે.આમ છતાં ગત ટર્મમા નિષ્ક્રીય રહેલા કોર્પોરેટરોની
નિષ્ક્રીયતા આ વખતે મતદાનમાં નડશે એવી સંભાવના વ્યકત કરાઈ રહી છે.બીજી તરફ ભાજપ
હાઈકમાન્ડે કોઈપણ સંજોગોમા નવા ઉમેદવારોને પેનલ સાથે જીતાડવા કાર્યકરોને સુચના અપાઈ હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી જાણવા
મળ્યુ છે.
મતદાનની તારીખ નજીક આવતી જાય છે તે સાથે ભાજપના પ્રચારમા જઈ
રહેલા નેતાઓને પણ લોકોના વિરોધ કે રોષનો ભોગ બનવુ પડે છે. આ પાછળ ગત ટર્મમા ભાજપના
કેટલાક નિષ્ક્રીય રહેલા કોર્પોરેટરો જવાબદાર હોવાનુ પ્રાથમિક તારણ સામે આવ્યુ
છે.બોડકદેવ વોર્ડમાં ઉમેદવારોની જાહેરાત થઈ એ પહેલા પૂર્વ કોર્પોરેટર વાસંતી
પટેલનો વિરોધ કરી સ્થાનિકોએ પાંચ વર્ષ કયાં હતા કહીને રાઉન્ડમાંથી ભગાડયા હતા.શહેરના
પૂર્વ મેયર કિરીટ પરમારના ઠકકરબાપાનગર વોર્ડમાં લોકો દ્વારા રોડ ખોલવા મામલે
ભાજપના મહિલા કોર્પોરેટરનો વિરોધ કરવામા
આવ્યો હતો.નિકોલ વોર્ડમાં વરસાદી પાણીની સમસ્યા નહીં ઉકેલાતા દસ્ક્રોઈના ધારાસભ્ય
ઉપરાંત પૂર્વ કોર્પોરેટર બલદેવ પટેલ સહિત તમામનો ઉગ્ર વિરોધ કરી સ્થળ ઉપરથી ભગાડી
દીધા હતા.નરોડા વોર્ડના પૂર્વ કોર્પોરેટર વિપુલ ઉર્ફે સોમભાઈ પટેલ સામે અર્બન
હેલ્થ સેન્ટરના મહિલા તબીબ સાથે ગેરવર્તણૂંક કરવાના આક્ષેપ પછી ભાજપ નેતા ભાસ્કર
ભટ્ટે તેમનો ખુલાસો માંગ્યો હતો.રામોલ-હાથીજણ વોર્ડના ભાજપના કોર્પોરેટર સામે
પોલીસ ફરિયાદ કરવામા આવી હતી. આ તમામ વોર્ડમાં હાલમા પણ લોકોનો પ્રાથમિક સુવિધા
મામલે વિરોધ જોવા મળે છે.










